Surat: શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને દુકાનો તેમજ માર્કેટોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ કપરી પરિસ્થિતિને પગલે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે વેપારીઓમાં ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી હતી. ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં આવેલા 'યસ માર્કેટ'ના વેપારીઓનો ગુસ્સો ચરમસીમાએ હતો. વેપારીઓએ મીડિયા સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ અને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો.
ડેપ્યુટી સીએમ એક્શન મોડમાં: ખુદ લીધી મુલાકાત
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને રાજ્યના ડેપ્યુટી સીએમ આજે ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. તેમણે વરાછાના અસરગ્રસ્ત વિસ્તારો અને યસ માર્કેટની રૂબરૂ મુલાકાત લીધી હતી. ડેપ્યુટી સીએમએ કોઈ પણ સુરક્ષાના ઠાઠ વગર, સીધા જ સામાન્ય લોકો અને વેપારીઓ વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સાંભળવાનું શરૂ કર્યું હતું. વરાછા યસ માર્કેટના જે વેપારીએ થોડા સમય પહેલા સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો, ડેપ્યુટી સીએમ ખુદ તે જ વેપારીની દુકાને પહોંચ્યા હતા. તેમણે વેપારી સાથે બેસીને ચા ની ચુસ્કી લીધી અને તેમની તમામ મુશ્કેલીઓ ખૂબ જ શાંતિથી સાંભળીને વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
આક્રોશ ખુશીમાં બદલાયો: વેપારીઓએ માન્યો આભાર
ડેપ્યુટી સીએમના આ સરળ અને સંવેદનશીલ અભિગમને કારણે વેપારીઓમાં છવાયેલી નારાજગી પળવારમાં દૂર થઈ ગઈ અને માર્કેટમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જે વેપારીએ અગાઉ ગુસ્સો વ્યક્ત કર્યો હતો, તેમણે ખુદ મીડિયા સમક્ષ સ્વીકારતા જણાવ્યું કે મુશ્કેલીના સમયે નુકસાનના કારણે અમે આક્રોશમાં ઘણું બધું બોલી ગયા હતા. પરંતુ સરકાર અમારી પડખે ઊભી રહી છે. ડેપ્યુટી સીએમ ખુદ અમારી પાસે આવ્યા, અમારી સાથે ચા પીધી અને અમને સાંભળ્યા તે મોટી વાત છે. સરકારે અમારું પૂરતું ધ્યાન રાખ્યું છે અને હવે અમને પૂરી આશા છે કે અમારા વિસ્તારના પ્રશ્નોનું તંત્ર દ્વારા ખૂબ જ સારી રીતે નિરાકરણ લાવવામાં આવશે."
તંત્રને જરૂરી સૂચનાઓ અપાઈ
આ મુલાકાત બાદ ડેપ્યુટી સીએમએ સ્થાનિક કોર્પોરેશન અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત કરવા અને વેપારીઓને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવા માટે કડક સૂચનાઓ આપી દીધી છે. સરકારના આ સકારાત્મક પગલાની સ્થાનિકો અને વેપારી આલમમાં ભારે પ્રશંસા થઈ રહી છે.





