Vadodara News: વડોદરા RTO ખાતે શરૂ કરાયેલો રાજ્યનો સૌ પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક વાહન ચાલકો માટે સાચે જ અગ્નિપરીક્ષા સમાન સાબિત થઈ રહ્યો છે. આ નવી ટેકનોલોજી અમલમાં આવતા જ હવે વગ, ભલામણો અને વચેટીયાઓનો યુગ આથમી ગયો છે. સંપૂર્ણ પારદર્શી અને કડક સિસ્ટમના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા વાહનચાલકોને પરસેવો વળી રહ્યો છે અને લાયસન્સ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે.
૧૬ અત્યાધુનિક કેમેરાની નજર: નાની ભૂલ પણ માફ નહીં
ગત ૨ જૂનથી વડોદરા RTOમાં શરૂ થયેલા આ હાઇટેક AI ટેસ્ટ ટ્રેક પર માનવીય દખલગીરી સાવ નાબૂદ થઈ ગઈ છે. આખા ટ્રેક પર ૧૬ જેટલા અત્યાધુનિક કેમેરા અને સેન્સર્સ ગોઠવવામાં આવ્યા છે, જે ડ્રાઇવિંગ કરનારની દરેક નાની-મોટી ભૂલ પર પળેપળની નજર રાખે છે. આ ટેસ્ટમાં ખાસ કરીને ટ્રાફિક સિગ્નલનું પાલન, પરફેક્ટ રિવર્સ પાર્કિંગ અને સૌથી અઘરા ગણાતા રિવર્સ 'એસ' આકારના ટ્રેક પર વાહનચાલકો સૌથી વધુ નાપાસ થઈ રહ્યા છે. સેન્સર સહેજ પણ ટચ થાય એટલે કોમ્પ્યુટર સિસ્ટમ ઓટોમેટિકલી ઉમેદવારને ફેઇલ જાહેર કરી દે છે.
ચોંકાવનારા આંકડા: કાર ચાલકોમાં ફેઇલ થવાનો રેશિયો સૌથી વધુ
છેલ્લા એક મહિનાના ડ્રાઇવિંગ ટેસ્ટના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. ફોર-વ્હીલર ચાલકોની વાત કરીએ તો, કુલ ૧૯૦૮ કાર ચાલકોએ લાયસન્સ માટે ટેસ્ટ આપ્યો હતો, જેમાંથી માત્ર ૧૪૭ લોકો જ સફળતાપૂર્વક પાસ થઈ શક્યા છે, જ્યારે ૧૭૬૧ લોકો ફેઇલ સાબિત થયા છે. આમ, કાર ચાલકોમાં નાપાસ થવાનો દર ૯૩ ટકા જેટલો ઊંચો નોંધાયો છે. તેની સરખામણીએ ટુ-વ્હીલર ચાલકોનું પરિણામ થોડું સારું રહ્યું છે, જ્યાં ૩૬૨૬ ચાલકોમાંથી ૨૭૨૭ લોકો પાસ થયા છે, જ્યારે ૮૯૯ લોકો નાપાસ થયા છે.
એપોઇન્ટમેન્ટ માટે લાંબું વેઇટિંગ: અરજદારો પરેશાન
આ કડક ટેસ્ટિંગ પ્રક્રિયા અને નાપાસ થનારાઓની વધતી સંખ્યાના કારણે RTOમાં નવી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હાલમાં RTO ખાતે રોજ સરેરાશ ૧૨૦ ફોર-વ્હીલર અને ૧૮૪ ટુ-વ્હીલર ચાલકો ટેસ્ટ આપી રહ્યા છે. પરિણામે, વેઇટિંગ પિરિયડ ઘણો વધી ગયો છે. હાલમાં ફોર-વ્હીલરની ટેસ્ટ એપોઇન્ટમેન્ટ માટે ૩૦ થી ૩૫ દિવસ અને ટુ-વ્હીલર માટે ૨૦ થી ૨૫ દિવસ સુધીની લાંબી રાહ જોવી પડી રહી છે, જેનાથી અરજદારોમાં થોડો અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.
અરજદારોનું સ્પષ્ટ કહેવું છે કે માનવીય ટેસ્ટિંગની સરખામણીએ AI ટ્રેક પર ટેસ્ટ આપવો ખૂબ જ કઠિન છે. જો કે, આરટીઓ અધિકારીઓ અને ટ્રાફિક નિષ્ણાતોના મતે, રસ્તા પર સુરક્ષિત ડ્રાઇવિંગ માટે અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે આ પ્રકારની કડકાઈ અને પારદર્શિતા ખૂબ જ અનિવાર્ય છે. હવે માત્ર સાચે જ સારું ડ્રાઇવિંગ જાણતા લોકો જ રસ્તા પર વાહન લઈને નીકળી શકશે.





