Vadodara News: શહેરમાં વ્યાજખોરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે નવાપુરા વિસ્તારમાં ઊંચા વ્યાજે નાણાં આપી એક વૃદ્ધનું આર્થિક અને માનસિક શોષણ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ રકમ કરતાં અઢી ગણાથી વધુ વ્યાજ વસૂલ કર્યા બાદ પણ સિક્યુરિટી પેટે રાખેલા ચેક પરત ન આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતા આખરે પીડિત વૃદ્ધે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પેન્શન ખાતાનું ATM કાર્ડ પડાવી લાખો રૂપિયા ઉપાડી લીધા
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવાપુરા વિસ્તારમાં રહેતા દિનેશચંદ્ર ચુનારા નામના વૃદ્ધે વર્ષ ૨૦૧૮માં પોતાની જરૂરિયાત માટે દિનેશ મોતીભાઈ શાહ નામના વ્યાજખોર પાસેથી અલગ-અલગ સમયે ૬ ટકાના ઊંચા વ્યાજે રૂ. ૬,૫૦,૦૦૦ લીધા હતા. નાણાં આપતી વખતે આરોપી દિનેશ શાહે કાયદાની પકડમાંથી બચવા માટે રૂ. ૭,૭૦,૦૦૦નું સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી લીધું હતું. આટલું જ નહીં, વ્યાજની વસૂલાત સુનિશ્ચિત કરવા માટે આરોપીએ વૃદ્ધના બેંક ઓફ બરોડાના પેન્શન ખાતાનું એટીએમ (ATM) કાર્ડ પણ બળજબરીપૂર્વક પોતાની પાસે રાખી લીધું હતું.
૮ વર્ષમાં ૨૪.૮૪ લાખ પડાવ્યા, છતાં ચેક પરત ન કર્યા
આરોપીએ વર્ષ ૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વૃદ્ધના પેન્શન ખાતામાંથી એટીએમ દ્વારા સમયાંતરે કુલ રૂ. ૨૪,૮૪,૦૦૦ ઉપાડી લીધા હતા. આ રકમમાંથી મૂળ મુદ્દલ બાદ કરતાં આરોપીએ વ્યાજ પેટે જ રૂ. ૧૭,૧૪,૦૦૦ વસૂલ કરી લીધા હતા.
કોર્ટ કેસ અને જાનથી મારી નાખવાની ધમકી
મુદ્દલ અને વ્યાજની અધધ રકમ ચૂકવાઈ ગઈ હોવા છતાં, આરોપીની દાનત બગડી હતી. વ્યાજખોરે લોન આપતી વખતે સિક્યુરિટી તરીકે લીધેલા પ્રોમિસરી ચેક વૃદ્ધને પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ઊલટાનું, તે ચેક બેંકમાં ભરીને ચેક બાઉન્સનો કેસ કરવાની તેમજ નાણાંની ઉઘરાણી માટે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
આ વ્યાજચક્ર અને ધમકીઓથી કંટાળીને આખરે દિનેશચંદ્રએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. નવાપુરા પોલીસે ભોગ બનનાર વૃદ્ધની ફરિયાદના આધારે નાણાં ધીરધાર અધિનિયમ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી વ્યાજખોર સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.





