Home Gujarat Vadodara Vadodara Tandalja Road 20 Feet Sinkhole Smart City Monsoon

વડોદરા સ્માર્ટ સિટી કે ‘ભુવા નગરી’? : સમા, અકોટા બાદ હવે તાંદલજા રોડ પર પડ્યો ૨૦ ફૂટ ઊંડો મસમોટો ભુવો, કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

Vadodara News
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 02:17 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુની હજુ તો માંડ શરૂઆત થઈ છે ત્યાં સામાન્ય વરસાદમાં જ શહેરના રાજમાર્ગો બિસ્માર બનવા લાગ્યા છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં એક પછી એક ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સમા, કારેલીબાગ, અકોટા અને મુજમહુડા બાદ હવે તાંદલજા વિસ્તારમાં વધુ એક મસમોટો ભુવો પડતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. કમિશનર અને પ્રી-મોન્સૂન કામગીરીના મસમોટા બણગાં ફૂંકતા તંત્રની પોલ આ ભુવાઓએ ખોલી નાખી છે.

કપડવંજ કેમિકલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક : 11 દિવસની સંતાકૂકડી બાદ ગેરકાયદેસર ફેક્ટરીનો માલિક મિતુલ પટેલ SOGના સકંજામાં, રિમાન્ડ દરમિયાન ખૂલશે અનેક રહસ્યો

કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત

મળતી માહિતી મુજબ, તાંદલજા પંથકમાં કિસ્મત ચોકડીથી વાસણા-ભાયલી ફાયર સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર આશિયાના નગર પાસે અચાનક રોડ બેસી ગયો હતો. જોતજોતામાં ત્યાં આશરે ૨૦ ફૂટ જેટલો ઊંડો અને અતિ ભયાનક ભુવો પડી ગયો હતો. મુખ્ય માર્ગ પર જ આટલો મોટો ભુવો પડતાં આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે જ્યારે આ રોડ બેસી ગયો ત્યારે કોઈ વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું ન હતું, નહીંતર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત.

કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

ભુવો એટલો ઊંડો અને જોખમી છે કે તેમાં આખી મોટરકાર ગરકાવ થઈ જાય. આ ગંભીર પરિસ્થિતિને જોતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે એક બાજુનો આખો માર્ગ પથ્થરો અને આડશો મૂકીને બંધ કરી દીધો હતો. કિસ્મત ચોકડીથી વાસણા તરફ જતો આ મુખ્ય રસ્તો હોવાથી અહીં દિવસ-રાત વાહનોની ભારે અવરજવર રહે છે. રસ્તો વન-વે થઈ જવાના કારણે પીક અવર્સમાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

અમરેલીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું! : રહેણાંક મકાનમાંથી શંકાસ્પદ ઘી, વનસ્પતિ ઘી અને તેલનો જથ્થો કબજે

રોડ-રસ્તાના સમારકામ પાછળ કરોડો રૂપિયાનું આંધણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ-રસ્તાના સમારકામ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. આમ છતાં, સામાન્ય વરસાદમાં જ સમા, અકોટા, મુજમહુડા અને હવે તાંદલજા જેવા પોશ વિસ્તારોમાં જે રીતે ભુવા પડી રહ્યા છે, તેનાથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્થાનિકો રોષે ભરાયા છે અને વહીવટી તંત્રની નબળી કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કોર્પોરેશનનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે યુદ્ધના ધોરણે આ ભુવાનું પૂરાણ કરી રસ્તો સરખો કરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now