અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે બપોરે આશરે 2:15 વાગ્યે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પલ્લવ ચાર રસ્તા પાસે બોપલની ડીપીએસ સ્કૂલની બસની અડફેટે ઇલેક્ટ્રિક સ્કૂટર પર જઈ રહેલા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર અને કંડક્ટર બસ તેમજ તેમાં બેઠેલા બાળકોને સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
અકસ્માતની જાણ થતાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
બસની નીચે આવી જતા યુવકનું મોત
પ્રાથમિક વિગતો મુજબ, ઇલેક્ટ્રિક સ્કૂટર પર એક યુવક શાસ્ત્રીનગર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પલ્લવ ચાર રસ્તા નજીક ડીપીએસ સ્કૂલની બસ સાથે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે યુવક બસની નીચે આવી ગયો અને માથા સહિત શરીરના ગંભીર ભાગોમાં ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસચાલક અને કંડક્ટર સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બસમાં હાજર વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: નોકરી ગઈ, FIR થઈ, પોલીસ લઈ ગઈ... : ખાપટ સ્કૂલના શિક્ષકને વિદ્યાર્થી પાસે દારૂ મંગવવો કેટલો ભારે પડ્યો?
મૃતકની ઓળખ અને અકસ્માતના કારણની તપાસ
પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પોલીસ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે. ફરાર થયેલા બસચાલક અને કંડક્ટરની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




