રથયાત્રા પહેલા સુરક્ષાને લઈને તંત્ર સતર્ક
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 16 Julyના રોજ યોજાવાની છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાય તેમજ લાખો ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ માટે પોલીસ અને AMCના અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું સંયુક્ત નિરીક્ષણ કર્યું.
પોલીસ કમિશનરની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગની ટીમોએ રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું. આ અભિયાનને 'કોમી એકતા યાત્રા' નામ આપવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન લોકો સાથે સીધી વાતચીત કરીને સુરક્ષાનો વિશ્વાસ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે લોકોને અફવા અને ભ્રામક માહિતીથી દૂર રહેવાની પણ અપીલ કરી છે.
સરસપુર સુધી 8 કિલોમીટર વિસ્તારમાં પેટ્રોલિંગ
પોલીસ કમિશનરે જણાવ્યું કે રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર સુધી અંદાજે 8 Kilometer વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
AMC અને મંદિર ટ્રસ્ટીઓએ કર્યું રૂટ નિરીક્ષણ
રથયાત્રાને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અન્ય પદાધિકારીઓ તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ પણ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું. માર્ગોની સ્થિતિ, જર્જરિત મકાનો, રસ્તાના સમારકામ અને વૃક્ષોની ડાળીઓની તપાસ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
જર્જરિત મકાનો પર રહેશે ખાસ નજર
અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે રથયાત્રાના રૂટ પર આવેલા તમામ ભયજનક અને જર્જરિત મકાનોની ઓળખ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં મકાનના જોખમી ભાગો હતા ત્યાં તે દૂર કરવામાં આવ્યા છે અને સુરક્ષા માટે ગ્રીન નેટ અથવા પતરાં લગાવવામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે આવા સ્થળોએ પોલીસ સાથે AMCના કર્મચારીઓ પણ ખાસ હાજર રહેશે જેથી કોઈ વ્યક્તિ જોખમી મકાનો પર ચઢી ન શકે.
વૃક્ષોનું ટ્રિમિંગ અને માર્ગ વ્યવસ્થા પૂર્ણ
AMC દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા મોટા વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જ્યાં જરૂરી હશે ત્યાં વૃક્ષોની ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવશે જેથી ભગવાનના રથ અને ભક્તોની અવરજવરમાં કોઈ અડચણ ન આવે. સાથે જ માર્ગોનું સમારકામ અને અન્ય નાગરિક સુવિધાઓની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટીએ તંત્રની કામગીરીની પ્રશંસા કરી
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે મંદિરથી સરસપુર રણછોડજી મંદિર સુધીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન કોઈ મોટી ખામી જોવા મળી નથી. તેમણે જણાવ્યું કે પોલીસ અને AMCએ અગાઉથી જ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, જેના કારણે આ વર્ષની રથયાત્રા વધુ સુવ્યવસ્થિત રીતે યોજાઈ શકશે તેવી આશા છે.





