ગુજરાતમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વેના વિકાસને વધુ ગતિ આપવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલા વિવિધ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
બેઠકમાં માર્ગ વિકાસ, જમીન સંપાદન, ફંડિંગ, પર્યાવરણ સંરક્ષણ અને વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણને લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંકલનથી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વધુ ઝડપ આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે હવે ભાવનગર સુધી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું વિસ્તરણ કરીને તેને ભાવનગર સુધી જોડવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું માર્ગ જોડાણ વધુ ઝડપી બનશે અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR), ભાવનગર બંદર તેમજ ઔદ્યોગિક વિસ્તારોને પણ સીધો લાભ મળશે.
આ એક્સપ્રેસ-વેના વિસ્તરણથી માલ પરિવહન, ઉદ્યોગો, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રને પણ નવી ગતિ મળવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસની દહેશત : 5ના મોત બાદ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર
પાલનપુર-સામખિયાળી કોરિડોર ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન પાલનપુર-સામખિયાળી કોરિડોરના બાકી રહેલા કામોમાં વધુ ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીને ખાસ અનુરોધ કર્યો હતો. ઉત્તર ગુજરાત અને કચ્છને જોડતો આ માર્ગ વેપાર, પરિવહન અને વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આ ઉપરાંત વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેનિંગ, મોરબી-સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર હાઈવે, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે તથા અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ સહિત અનેક મહત્વપૂર્ણ યોજનાઓની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતના જમીન સંપાદન મોડલની નીતિન ગડકરીએ કરી પ્રશંસા
બેઠક દરમિયાન નીતિન ગડકરીએ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવેલી જમીન સંપાદનની પ્રક્રિયાની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે રોડ પ્રોજેક્ટ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર થતો હોય તે દરમિયાન રોડ અલાઇનમેન્ટમાં આવતી જમીન માટે બિનખેતી (NA) મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાનો રાજ્ય સરકારનો અભિગમ જમીન સંપાદનને સરળ બનાવે છે. તેમણે આ મોડલને સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ ગણાવતા જણાવ્યું કે અન્ય રાજ્યો પણ ગુજરાતના આ અનુભવમાંથી શીખી શકે છે.
નેશનલ હાઈવે માટે વધુ ફંડ મેળવવા દરખાસ્ત મોકલવા સૂચન
કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારને સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળ વધુ માર્ગ પ્રોજેક્ટ્સ માટે જરૂરી દરખાસ્તો તાત્કાલિક કેન્દ્ર સરકારને મોકલવા અનુરોધ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ યોગ્ય દરખાસ્તો મળતા રાજ્યમાં વધુ માર્ગ વિકાસ યોજનાઓને મંજૂરી અને નાણાંકીય સહાય મળી શકશે.
પર્યાવરણ સાથે વિકાસ પર ભાર
બેઠકમાં માર્ગ વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાય તે મુદ્દે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. નીતિન ગડકરીએ સૂચન કર્યું કે રોડ વિસ્તરણ દરમિયાન અલાઇનમેન્ટમાં આવતા વૃક્ષોને શક્ય હોય ત્યાં કાપવાને બદલે તે જ માર્ગ પર અન્ય યોગ્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્યાવરણમૈત્રી વિકાસના અભિગમને અનુરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ બંને સાથે આગળ વધવા જોઈએ.
આ પણ વાંચો: અમદાવાદ-ચિલોડા હાઈવે પર ફરી સક્રિય થઈ રિક્ષા ચોરી ગેંગ! : સિક્યુરિટી ગાર્ડના ખિસ્સામાંથી ₹20 હજારની રોકડ ઉડાવી, પોલીસે શરૂ કરી તપાસ
કેન્દ્ર-રાજ્ય સંકલનથી પ્રોજેક્ટ્સને મળી રહી છે ગતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સુમેળ અને ઝડપી નિર્ણય પ્રક્રિયાના કારણે જમીન સંપાદન સહિતના અનેક પડકારજનક કામોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. જેના પરિણામે નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વેના પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે.
બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠોડ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ સભ્ય આલોક દીપાંકર, માર્ગ પરિવહન મંત્રાલયના ચીફ એન્જિનિયર મનોજ કુમાર સહિત રાજ્ય સરકાર અને NHAIના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ઝડપથી વિસ્તરી રહેલા રોડ નેટવર્કને ધ્યાનમાં રાખતાં આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો આગામી સમયમાં રાજ્યના પરિવહન, ઔદ્યોગિક વિકાસ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.






