Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા દિવસેને દિવસે વધી રહી છે. હવે પોશીના તાલુકામાં ત્રણ વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાયા બાદ તેનું મોત થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના મોતનો આંકડો ચાર પર પહોંચી ગયો છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે અને પોશીના સહિતના વિસ્તારોમાં તાત્કાલિક સર્વેલન્સ તથા આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણ વર્ષની બાળકીને તાવ અને અન્ય ગંભીર લક્ષણો જણાતા તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર આપ્યા બાદ બાળકીને ઘરે લઈ જવામાં આવી હતી, પરંતુ બાદમાં ઘરે જ તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકના મોત બાદ આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરી છે.
જિલ્લામાં ચોથું શંકાસ્પદ મોત
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસ દરમિયાન ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં ત્રણ બાળકોના મોત થયા હતા. હવે પોશીનામાં વધુ એક બાળકના મોત સાથે જિલ્લામાં શંકાસ્પદ મોતની સંખ્યા ચાર થઈ ગઈ છે. જોકે તમામ કેસોમાં અંતિમ નિષ્કર્ષ લેબોરેટરી તપાસ અને આરોગ્ય વિભાગના સત્તાવાર રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા દરેક દર્દીના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. જે કેસોમાં રિપોર્ટ બાકી છે, તેમાં તપાસ પૂર્ણ થયા બાદ જ વાયરસની પુષ્ટિ થઈ શકશે.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ શું છે? કેમ માનવામાં આવે છે જીવલેણ? : જાણો લક્ષણો, ફેલાવાના કારણો અને બચાવના ઉપાયો
હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી શું સ્થિતિ?
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ સાત શંકાસ્પદ બાળકો દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળક રાજસ્થાનનો, જ્યારે અન્ય બે બાળકો પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. હાલ હોસ્પિટલમાં બે બાળકો સારવાર હેઠળ છે. તેમાં એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવાયું છે, જ્યારે અન્ય એક બાળકનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. બીજી તરફ બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
પોશીના વિસ્તારમાં આરોગ્ય વિભાગનો સઘન સર્વે
પોશીનામાં બાળકના મોત બાદ આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારને એલર્ટ જાહેર કર્યો છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર જઈ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. તાવ, ઊલટી અથવા ન્યુરોલોજિકલ લક્ષણો ધરાવતા બાળકોની ઓળખ કરીને તેમને તાત્કાલિક સારવાર માટે રિફર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સેન્ડ ફ્લાય સહિતના જીવડાંના નિયંત્રણ માટે પણ કામગીરી તેજ કરવામાં આવી છે. ગામોમાં સ્વચ્છતા જાળવવા અને લોકોને જાગૃત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી બદલાશે હવામાન : જાણો આગામી 2 દિવસ તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ






