મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેવાના આરોપસર ગાંધીનગર ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી)એ સફળ ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યો છે. એસીબીના જણાવ્યા અનુસાર, ફરિયાદના નિકાલ માટે પ્રથમ રૂ.2 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં રકઝક થતાં રૂ.80 હજાર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
એસીબીની સત્તાવાર માહિતી મુજબ, આરોપી તરીકે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ અમીન હુસેન મંજૂર હુસેન શેખનું નામ સામે આવ્યું છે. આ કાર્યવાહી 9 જુલાઈ, 2026ના રોજ ગાંધીનગર એસીબી દ્વારા કરવામાં આવી હતી.
ફરિયાદના આધારે ગોઠવાયો છટકો
એસીબીના જણાવ્યા અનુસાર, ફરિયાદી અને તેમના ભાઈઓ વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના નિકાલ માટે આરોપીએ રૂ.2 લાખની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એસીબીએ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.80 હજારની લાંચ સ્વીકારી હોવાનું એસીબીએ જણાવ્યું છે. ત્યારબાદ એસીબીની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો: અમરેલીના ધારીના ફતેગઢ ગામમાં 7 સિંહો ઘૂસ્યા : શિકાર કરી કલાકો સુધી મિજબાની માણતા ભયનો માહોલ
જાહેર માર્ગ પર હાથ ધરાઈ કાર્યવાહી
એસીબીના જણાવ્યા મુજબ, ટ્રેપની કાર્યવાહી ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર માર્ગ પર હાથ ધરવામાં આવી હતી. આરોપી પાસેથી સ્વીકારેલી રૂ.80 હજારની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસના આધારે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબી હવે સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. એસીબીએ નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈપણ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી શકે છે.






