આણંદ શહેરમાં 15 વર્ષની સગીરાને પ્રેમ સંબંધની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે લાંબા સમય સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ ઓડ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીએ 8 જાન્યુઆરી, 2026ના રોજ 15 વર્ષની સગીરાને પ્રેમ સંબંધની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો.
ફરિયાદમાં છ મહિના સુધી શારીરિક શોષણનો આક્ષેપ
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે સગીરાને ત્યારબાદ અજ્ઞાત સ્થળે રાખવામાં આવી હતી અને અંદાજે છ મહિનાના સમયગાળા દરમિયાન તેની ઇચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ આ સમગ્ર મામલાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. આ કેસમાં નોંધાયેલા તમામ આક્ષેપો ફરિયાદના આધારે નોંધવામાં આવ્યા છે અને તેની સત્યતા અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા ચાલી રહી છે.
આ પણ વાંચો: 400થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં : રાણીયા દૂધ મંડળી મુદ્દે કેતન ઈનામદારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને લખ્યો પત્ર
પરિવારે નોંધાવી ફરિયાદ, પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઘટનાની જાણ થતાં સગીરાના પરિવારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે અપહરણ, પોક્સો એક્ટ તથા અન્ય સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ સહિત જરૂરી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.






