Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની રાણીયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં 400થી વધુ પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે હવે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર એક્શનમાં આવ્યા છે. તેમણે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સાથે જ અસરગ્રસ્ત પશુપાલકોના હિતમાં ત્વરિત નિર્ણય લેવા સરકારને અપીલ કરી છે. ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે રાણીયા દૂધ મંડળીમાં દૂધ સ્વીકારવાનું બંધ થતાં નવા શિહોરા, જૂના શિહોરા, પીપળીયા અને રાયપુરા સહિતના ગામોના 400થી વધુ પશુપાલકોની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે. દૂધના વેચાણમાં અનિશ્ચિતતા સર્જાતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસની દહેશત : 5ના મોત બાદ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર
અમૂલ સમકક્ષ ભાવ અને લાભની માંગ
ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો બરોડા ડેરી દ્વારા અમૂલ સમકક્ષ દૂધનો ભાવ, બોનસ અને પશુદાણ સહિતના લાભ આપવામાં આવે તો પશુપાલકો બરોડા ડેરીમાં દૂધ આપવા તૈયાર છે. પરંતુ જો સમકક્ષ લાભ ઉપલબ્ધ ન કરાવી શકાય તો પશુપાલકોને અમૂલમાં દૂધ ભરવાની છૂટ આપવામાં આવે. તેમણે સરકારને વિનંતી કરી છે કે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેવામાં આવે, જેથી તેમને આર્થિક નુકસાન ન સહન કરવું પડે.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ શું છે? કેમ માનવામાં આવે છે જીવલેણ? : જાણો લક્ષણો, ફેલાવાના કારણો અને બચાવના ઉપાયો





