Home Gujarat Vadodara Vadodara Rto Ai Driving Test Track 93 Percent Fail

વડોદરા RTOનો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બન્યો કસોટી : ફોર-વ્હીલર ટેસ્ટમાં 93 ટકા અરજદારો નાપાસ, જાણો કેવી છે વ્યવસ્થા

ડ્રાઇવિંગ ટ્રેક
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 10, 2026, 02:20 AM IST

વડોદરા પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ખાતે શરૂ કરાયેલ રાજ્યનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક વાહનચાલકો માટે કડક કસોટી સાબિત થઈ રહ્યો છે. અદ્યતન ટેક્નોલોજી આધારિત આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક અને સંપૂર્ણપણે ઓટોમેટેડ બની છે. પરિણામે હવે માનવીય હસ્તક્ષેપની શક્યતા ઘટી છે અને ઉમેદવારોની ડ્રાઇવિંગ ક્ષમતાનું મૂલ્યાંકન સંપૂર્ણપણે AI સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગત 2 જૂનથી શરૂ થયેલા આ હાઇટેક ટેસ્ટ ટ્રેકના પ્રારંભિક પરિણામો ચોંકાવનારા રહ્યા છે. ખાસ કરીને ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યા ખૂબ ઓછી રહી છે, જેના કારણે લર્નિંગ લાયસન્સ બાદ કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હવે વધુ પડકારજનક બન્યું છે.

16 સ્માર્ટ કેમેરા અને સેન્સર રાખે છે સતત નજર

AI આધારિત ટેસ્ટ ટ્રેક પર કુલ 16 અત્યાધુનિક કેમેરા અને વિવિધ સેન્સર ગોઠવવામાં આવ્યા છે. આ સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન ઉમેદવારની દરેક હરકતનું રિયલ-ટાઇમ વિશ્લેષણ કરે છે. ટ્રાફિક સિગ્નલનું પાલન, સ્ટોપ લાઇનનું અનુસરણ, રિવર્સ પાર્કિંગ, ઢાળ પર વાહનનું નિયંત્રણ અને ખાસ કરીને રિવર્સ 'S' ટ્રેક જેવી કસોટીઓ દરમિયાન થતી નાનામાં નાની ભૂલ પણ સિસ્ટમ તરત જ નોંધે છે. જો વાહન ટ્રેક પર લગાવવામાં આવેલા સેન્સરને સ્પર્શે અથવા નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન થાય તો કોમ્પ્યુટર સિસ્ટમ ઉમેદવારને તરત જ નાપાસ જાહેર કરે છે. સમગ્ર પ્રક્રિયામાં કોઈ અધિકારી દ્વારા પરિણામમાં ફેરફાર કરવાની શક્યતા રહેતી નથી.

ફોર-વ્હીલર ટેસ્ટમાં માત્ર 7 ટકા ઉમેદવારો જ પાસ

RTOના છેલ્લા એક મહિનાના આંકડા મુજબ, ફોર-વ્હીલર લાયસન્સ માટે કુલ 1,908 ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી હતી. તેમાં માત્ર 147 ઉમેદવારો જ સફળ રહ્યા હતા, જ્યારે 1,761 ઉમેદવારો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા. એટલે કે ફોર-વ્હીલર કેટેગરીમાં અંદાજે 93 ટકા ઉમેદવારો નાપાસ થયા છે. બીજી તરફ ટુ-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં પરિણામ પ્રમાણમાં સારું રહ્યું છે. કુલ 3,626 અરજદારોમાંથી 2,727 ઉમેદવારો સફળ થયા હતા, જ્યારે 899 ઉમેદવારો નાપાસ થયા હતા.

આ પણ વાંચો: જામનગરથી કોંગ્રેસનું ‘મિશન 2027’ શરૂ : સરકારને ઘેરવા તૈયાર થઈ રણનીતિ; નિષ્ક્રિય હોદ્દેદારો સામે થશે કાર્યવાહી

એપોઇન્ટમેન્ટ માટે વધ્યું વેઇટિંગ

કડક પરીક્ષણ પદ્ધતિ અને મોટી સંખ્યામાં ઉમેદવારો નિષ્ફળ જતાં ફરી ટેસ્ટ આપવા માટે અરજદારોની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં વડોદરા RTO ખાતે દરરોજ સરેરાશ 120 ફોર-વ્હીલર અને 184 ટુ-વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. વધતી માંગને કારણે ફોર-વ્હીલર ટેસ્ટ માટે હાલમાં 30થી 35 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે, જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટ માટે 20થી 25 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. જેના કારણે ઘણા અરજદારોમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.

માર્ગ સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું

ઘણા અરજદારોનું માનવું છે કે અગાઉની માનવીય ટેસ્ટિંગ પ્રક્રિયાની સરખામણીએ AI આધારિત ટેસ્ટ વધુ મુશ્કેલ છે. જોકે RTO અધિકારીઓ અને માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે, આ નવી વ્યવસ્થા માત્ર યોગ્ય અને કુશળ ડ્રાઇવરોને જ લાયસન્સ મળે તે સુનિશ્ચિત કરશે. તેમના જણાવ્યા મુજબ, અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો લાવવા, ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવા અને લાયસન્સ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now