Home Gujarat Vadodara Bjp Announces Satishbhai Govindbhai Patel Manjalpur Bypoll 2026

વડોદરાની માંજલપુર બેઠક માટે ભાજપે સતીશ પટેલને ઉતાર્યા મેદાનમાં : સ્થાનિક રાજકારણ અને સંગઠનનો બહોળો અનુભવ

માંજલપુર પેટાચૂંટણી માટે સતીશભાઈ ગોવિંદભાઈ પટેલના નામની જાહેરાત
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 09, 2026, 05:12 PM IST

Vadodara News: માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને વડોદરાના કદાવર નેતા યોગેશભાઈ પટેલનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. યોગેશભાઈ પટેલે આ વિસ્તારમાં સળંગ 8 વખત જીત મેળવીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. તેમના નિધનથી ખાલી પડેલી આ રાજકીય વિરાસતને આગળ ધપાવવા માટે હવે ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપે સતીશ પટેલ પર ભરોસો મૂક્યો છે.

વડોદરાની ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા આ મહત્વની બેઠક પર વડોદરાના વરિષ્ઠ રાજકીય અગ્રણી અને સહકારી ક્ષેત્રના જાણીતા ચહેરો એવા સતીશ ગોવિંદભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

સ્થાનિક રાજકારણ અને સંગઠનનો બહોળો અનુભવ

વડોદરાના છાણી વિસ્તારના મૂળ વતની સતીશ ગોવિંદભાઈ પટેલ શહેર અને જિલ્લા બંનેના રાજકારણમાં દાયકાઓ લાંબો અને બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે. આ ઉપરાંત, વડોદરા મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા સતીશ પટેલ કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ શાનદાર સેવાઓ આપી ચૂક્યા છે. ભાજપના સંગઠનમાં તેમની પકડ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે.

સામાજિક અને સહકારી ક્ષેત્રે મોટું પ્રદાન

સતીશ પટેલ માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સતત સક્રિય રહે છે. તેઓ છાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેઓ છાણી વિસ્તારના પ્રખ્યાત અને સેવાભાવી 'છાણી ધર્માદા ટ્રસ્ટ' ના મુખ્ય વહીવટકર્તા અને સંચાલક છે. આ ટ્રસ્ટ છેલ્લા ઘણા દાયકાઓથી છાણી સ્મશાન ગૃહનું સંચાલન અને અન્ય લોકકલ્યાણના કાર્યો કરે છે.

ચર્ચાસ્પદ નિર્ણય:

વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનોના ખાનગીકરણના મુદ્દે સર્જાયેલા વિવાદ દરમિયાન, છાણી સ્મશાનના લાકડા અન્ય જરૂરિયાતમંદ ગ્રામ્ય સ્મશાનોમાં દાન કરવાનો નિર્ણય લઈને તેઓ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચામાં અને પ્રશંસાને પાત્ર બન્યા હતા.

આ પણ વાંચો: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: એક જ દિવસમાં 17 ફોર્મ ઉપડ્યા : ભાજપના 4, કોંગ્રેસના 6 અને NCPના 2 ફોર્મ સાથે અત્યાર સુધી કુલ 42 ફોર્મનો ઉપાડ

પક્ષમાં મજબૂત દાવેદારી

વડોદરાના સહકારી માળખામાં પણ તેઓ અત્યંત પ્રભાવશાળી અને મહત્વનું સ્થાન ધરાવે છે. સ્થાનીય પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને પક્ષના વિવિધ સંગઠનાત્મક કાર્યો માટે તેઓ હંમેશા મોખરે રહ્યા છે. માંજલપુર બેઠક પર તેમની ઉમેદવારીથી ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિવાદોથી દૂર અને જમીની સ્તરના નેતા હોવાને કારણે પક્ષે તેમના પર ભરોસો મૂક્યો છે, જે આગામી પેટાચૂંટણીમાં ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now