Home Gujarat Himmatnagar Civil Chandipura Virus 3 Children Deaths Vd Zala Visit

ચાંદીપુરા વાયરસનો કહેર : હિંમતનગર સિવિલમાં 11 દિવસમાં 3 બાળકનાં મોત, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હોસ્પિટલની લીઘી મુલાકાત

ધારાસભ્ય વી.ડી. ઝાલાએ લીધેલી મુલાકાતના દ્રશ્યો
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 10, 2026, 06:13 AM IST

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા સતત વધી રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસ દરમિયાન ત્રણ બાળકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 7 શંકાસ્પદ બાળકો દાખલ થયા હતા, જેમાંથી 3ના મોત થયા છે, જ્યારે હાલ બે બાળકો સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી અને તબીબો તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યએ સારવાર લઈ રહેલા બાળકો તથા તેમના પરિવારજનોને મળી તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને સરકાર તરફથી જરૂરી તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

7 શંકાસ્પદ કેસોમાં ત્રણ બાળકોના મોત

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા 7 શંકાસ્પદ કેસોમાંથી ત્રણ બાળકોના મોત થયા છે. મૃતકોમાં એક છ વર્ષનો બાળક રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 2 બાળકો પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લાના હતા. 3 બાળકોના મોત છેલ્લા 11 દિવસ દરમિયાન થયા હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. હાલ હોસ્પિટલમાં 2 બાળકો સારવાર હેઠળ છે. તેમાંથી એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક બાળકનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. બીજી તરફ બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસની દહેશત : 5ના મોત બાદ આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર

ધારાસભ્ય વી.ડી. ઝાલાએ કરી હોસ્પિટલની મુલાકાત

વધતા કેસો અને બાળકોના મોતની ઘટનાને પગલે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ અને ખાસ બનાવવામાં આવેલા સ્પેશિયલ વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે મેડિકલ ઓફિસર, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર (RMO) અને અન્ય તબીબી અધિકારીઓ સાથે બેઠક કરીને સારવાર વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂર પડે તો વધુ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે દર્દીઓના પરિવારજનોને મળીને કોઈપણ પ્રકારની સારવારમાં કમી નહીં રહે તેવી ખાતરી પણ આપી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન પર ભાર

ધારાસભ્યએ જિલ્લા તંત્રને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન વધુ અસરકારક રીતે ચલાવવાની સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસથી બચવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે અને બાળકોને જીવડાંના કરડવાથી બચાવવા યોગ્ય પગલાં લેવા જોઈએ. આરોગ્ય વિભાગે પણ અસરગ્રસ્ત ગામોમાં સર્વેલન્સ ટીમોને તૈનાત કરી છે. ટીમો દ્વારા ઘેર-ઘેર જઈ બાળકોના આરોગ્યની તપાસ, તાવના કેસોનું મોનિટરિંગ અને જંતુ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસ શું છે? કેમ માનવામાં આવે છે જીવલેણ? : જાણો લક્ષણો, ફેલાવાના કારણો અને બચાવના ઉપાયો

2024માં પણ નોંધાયા હતા અનેક કેસ

સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન પણ ચાંદીપુરા વાયરસને કારણે અનેક બાળકોના મોત નોંધાયા હતા. તે સમયે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છથી સાત બાળકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે ફરી સમાન પ્રકારની સ્થિતિ સર્જાતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે.

આરોગ્ય વિભાગ એલર્ટ, લોકોને અપીલ

હાલ સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ પર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને તબીબી ટીમોને સતત મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now