રાજકોટ શહેરના નાનામૌવા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી લોહિયાળ હત્યાકાંડમાં ફેરવાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. બુલેટ મોટરસાયકલ ઝડપથી ચલાવવાના મુદ્દે થયેલા વિવાદ બાદ એક જ પરિવારના પિતા અને બે પુત્રોએ 32 વર્ષીય કૃષ્ણસિંહ જાડેજા પર ફાયરિંગ અને જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનામાં કૃષ્ણસિંહનું મોત થયું છે, જ્યારે તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના 72 વર્ષીય પિતરાઈ દાદા રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે.
મહત્વની વાત એ છે કે મૃતકના કૌટુંબિક કાકા તેમજ ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર રાજકોટ શહેર પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
સામાન્ય બોલાચાલીથી શરૂ થયો વિવાદ
પોલીસ ફરિયાદ મુજબ, 8 જુલાઈની રાત્રે નાનામૌવા ગામતળ શેરી નંબર-4 ખાતે બુલેટ મોટરસાયકલ ઝડપથી ચલાવવાના મુદ્દે કૃષ્ણસિંહ જાડેજા અને એક સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. આરોપ છે કે ત્યારબાદ સગીરે પોતાના મોટા ભાઈને અને પછી પિતા રણજીતસિંહ વાળાને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. થોડા સમય બાદ રણજીતસિંહ વાળા પોતાના બંને પુત્રો સાથે કૃષ્ણસિંહના ઘરે પહોંચ્યા હતા. ફરિયાદ અનુસાર, ઘરની બહાર ફરી ઉગ્ર બોલાચાલી થતાં રણજીતસિંહે પોતાની પાસે રહેલા હથિયારથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ત્રણેયે મળીને કૃષ્ણસિંહ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ કૃષ્ણસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: અમરેલીના ધારીના ફતેગઢ ગામમાં 7 સિંહો ઘૂસ્યા : શિકાર કરી કલાકો સુધી મિજબાની માણતા ભયનો માહોલ
બચાવવા ગયેલા વૃદ્ધ પર પણ હુમલો
ઘટના દરમિયાન કૃષ્ણસિંહને બચાવવા વચ્ચે પડેલા તેમના 72 વર્ષીય પિતરાઈ દાદા રહેન્દ્રસિંહ જાડેજા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, તેમના માથામાં બંદૂકના કુંદાથી પ્રહાર કરવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
સીસીટીવીના આધારે તપાસ, બે આરોપીની ધરપકડ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે અને તે તપાસનો મહત્વનો ભાગ બનશે.
મૃતકના કૌટુંબિક ભાઈની ફરિયાદના આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 118(2), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ હેઠળ રણજીતસિંહ વાળા અને તેના બંને પુત્રો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ગણતરીના કલાકોમાં રાજકોટ-ભાવનગર હાઇવે પરથી મુખ્ય આરોપી રણજીતસિંહ વાળા અને તેના પુત્ર રાજવીરસિંહ વાળાની ધરપકડ કરી છે. જ્યારે સગીર આરોપી સામે જુવેનાઇલ જસ્ટિસ કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથના ઉનામાં પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપ : વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવ્યાની લેખિત ફરિયાદ
ગેરકાયદેસર હથિયારના સ્ત્રોતની તપાસ
ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં મુખ્ય આરોપી પાસે રહેલું હથિયાર ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપીએ આ હથિયાર કોની પાસેથી અને ક્યારે મેળવ્યું હતું તેમજ અગાઉ કોઈ અન્ય ગુનામાં તેનો ઉપયોગ થયો હતો કે નહીં. પોલીસે આરોપીઓ પાસેથી એક કાર પણ કબજે કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘટના બાદ આરોપીઓ રાજકોટમાંથી પોતાના વતન અમરેલી તરફ જવા નીકળ્યા હતા.
મૃતક હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક કૃષ્ણસિંહ જાડેજા પોતાના માતા-પિતાના એકમાત્ર પુત્ર હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત નાની ઉંમરના એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ ફોરેન્સિક પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે.





