રાજકોટ શહેરના પોષ વિસ્તાર ગણાતા મોકાજી સર્કલ નજીક આવેલા નાના મૌવા ગામમાં મંગળવારે સાંજે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કરતાં કૃષ્ણરાજસિંહ હરદેવસિંહ જાડેજાનું મોત થયું હોવાનું પોલીસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે તેમના દાદા રહેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને દહેશતનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટના નાના મૌવા ગામના ગામતળ વિસ્તારમાં આવેલી શેરી નંબર-4માં બની હતી. ફાયરિંગના અવાજો સંભળાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યારે પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં વરસાદનો કહેર : ગોડાદરા–પર્વત પાટિયા માર્ગ ખાડીના પાણીમાં ગરક, 300થી વધુ લોકોનું રેસ્ક્યુ
બોલાચાલી બાદ ફાયરિંગ થયાનો પોલીસનો પ્રાથમિક દાવો
ઘટના અંગે માહિતી આપતા રાજકોટ શહેરના ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે મૃતક કૃષ્ણરાજસિંહ જાડેજા રસ્તે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, બોલાચાલી બાદ સંબંધિત વ્યક્તિઓએ અન્ય લોકોને બોલાવ્યા હતા અને ત્યારબાદ હથિયાર વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ACPના જણાવ્યા અનુસાર હુમલાખોરોની સંખ્યા ચાર જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હુમલાખોરોએ કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં કૃષ્ણરાજસિંહ જાડેજાને જીવલેણ ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે અથવા સારવાર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત અન્ય એક વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ફરિયાદ નોંધવાની કાર્યવાહી, આરોપીઓની ઓળખ માટે તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર સમાચાર લખાય છે ત્યાં સુધી ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ હતી. ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાથમિક ફરિયાદમાં હજુ સુધી કોઈ આરોપીનું નામ નોંધાયું નથી અને હુમલાખોરોની ઓળખ તેમજ તેમની ધરપકડ માટે પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે.
આ પણ વાંચો: રાજકોટ મનપા: 3 દરખાસ્તો સાથેની બેઠકમાં 72 હજાર વૃક્ષોને મંજૂરી : સરેરાશ ₹92 ખર્ચાશે એક વૃક્ષ પાછળ
પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ, સ્થાનિક સાક્ષીઓના નિવેદનો અને અન્ય તકનિકી પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. હુમલાનું ચોક્કસ કારણ અને તેમાં સામેલ તમામ વ્યક્તિઓની ભૂમિકા અંગે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
મૃતકના પરિવારનો પોલીસ વિભાગ સાથે સંબંધ
ACP બી.જે. ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે મૃતક કૃષ્ણરાજસિંહ જાડેજાના ભાઈ ગુજરાત પોલીસમાં, રાજકોટ સિટી પોલીસના જુનિયર પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. જોકે, પોલીસનું કહેવું છે કે તપાસ સંપૂર્ણપણે તથ્યો અને પુરાવાના આધારે કરવામાં આવશે. ફાયરિંગ જેવી ગંભીર ઘટનાએ રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી તેજ કરી હોવાનું જણાવ્યું છે.





