ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાંથી શિક્ષણ જગતને શરમમાં મૂકે તેવો ગંભીર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. શાળાના એક શિક્ષક સામે વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, હરેશ ગોસ્વામી નામના શિક્ષક સામે આક્ષેપ છે કે તેઓ વિદ્યાર્થીઓ મારફતે દારૂ મંગાવતા હતા. શાળાના આચાર્યે સીસીટીવી ફૂટેજ જોયા બાદ સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદ બાદ તપાસની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ, આચાર્ય દ્વારા કરાયેલી લેખિત રજૂઆતના આધારે શિક્ષણ વિભાગ સમગ્ર ઘટનાની તપાસ કરે તેવી શક્યતા છે. જો તપાસમાં આક્ષેપો સાચા સાબિત થશે તો સંબંધિત શિક્ષક સામે નિયમો મુજબ વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે અગાઉ પણ સંબંધિત શિક્ષક શાળામાં નશાની હાલતમાં પહોંચ્યાની ફરિયાદો થઈ હતી. જોકે, આ દાવાઓ અંગે અધિકૃત પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને તેની પણ તપાસ થવાની બાકી છે.
આ પણ વાંચો: અમરેલીના ધારીના ફતેગઢ ગામમાં 7 સિંહો ઘૂસ્યા : શિકાર કરી કલાકો સુધી મિજબાની માણતા ભયનો માહોલ
શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય
શાળા એ વિદ્યાર્થીઓના ઘડતર અને શિક્ષણનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી ફરિયાદો સામે આવતાં વાલીઓમાં ચિંતા અને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ અને જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે હાલ આ મામલો ફરિયાદ અને ઉપલબ્ધ પ્રાથમિક માહિતીના આધારે સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજની સત્તાવાર ચકાસણી તથા સંબંધિત વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.






