Home Gujarat Rajkot Rajkot Trp Game Zone Fire Gujarat High Court Dismissal Order July 2026

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ : ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ, 5 અધિકારીઓને બરતરફ કરવાનો નિર્દેશ

ગુજરાત હાઇ કોર્ટ
Published by: Chintan Chavda
Last Updated: Jul 10, 2026, 10:23 AM IST

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ચાલી રહેલી સુઓમોટો જાહેરહિત અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય આપ્યો છે. કોર્ટે અગ્નિકાંડ માટે જવાબદાર ગણાયેલા પાંચ સરકારી અધિકારીઓને તાત્કાલિક અસરથી સરકારી સેવામાંથી બરતરફ (ડિસમિસ) કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને સમગ્ર મામલામાં જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

કોર્ટના આદેશ મુજબ, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને સરકારી સેવામાંથી બરતરફ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મનસુખ સાગઠીયાને માત્ર પ્રોવિઝનલ પેન્શનનો લાભ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન નોંધાયું હતું કે તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર અગાઉ જ નિવૃત્ત થઈ ચૂક્યા છે.

અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે લીધી હતી સુઓમોટો નોંધ

25 મે, 2024ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મોત થયા હતા, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોનો સમાવેશ થતો હતો. દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન (સુઓમોટો) લઈ સમગ્ર મામલાની સતત સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન ગેમઝોનને જરૂરી મંજૂરીઓ, ફાયર એનઓસી અને બાંધકામ સંબંધિત નિયમોના પાલન સહિત અનેક મુદ્દાઓ પર કોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો પાસે સ્પષ્ટતા માગી હતી.

અગાઉની સુનાવણીઓ દરમિયાન પણ હાઈકોર્ટે ગેરકાયદેસર બાંધકામ, જવાબદાર અધિકારીઓની ભૂમિકા અને વહીવટી બેદરકારી અંગે કડક ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે સંબંધિત વિભાગો સમયસર કાર્યવાહી કરતા તો આવી દુર્ઘટના ટાળી શકાઈ હોત.

જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય

હાઈકોર્ટનો આ નિર્ણય માત્ર TRP ગેમઝોન કેસ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં જાહેર સુરક્ષા સાથે સંકળાયેલા મામલાઓમાં સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ કેસમાં ફોજદારી કાર્યવાહી ઉપરાંત વિભાગીય જવાબદારીના મુદ્દાને પણ કોર્ટે ગંભીરતાથી લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now