બ્રિટનમાં રાજકીય પરિસ્થિતિ હાલમાં અત્યંત ઉથલપાથલભરી બની ગઈ છે. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર પર પોતાના જ પક્ષના નેતાઓ તરફથી રાજીનામું આપવાનો દબાવ વધી રહ્યો છે. તાજેતરમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં લેબર પાર્ટીને થયેલા ભારે નુકસાન અને નીતિગત અસંતોષનાં કારણે આ દબાવ વધી ગયો છે. હાલની પરિસ્થિતિમાં મહત્વની વાત એ છે કે સ્ટાર્મરે હજુ સુધી રાજીનામું આપવાની કોઈ જાહેરાત કરી નથી અને તેઓ સ્પષ્ટપણે પદ પર ટકી રહેવાની વાત કરી રહ્યા છે. તેમ છતાં, પક્ષની અંદર વધતા અસંતોષ અને નેતાઓના ખુલ્લા વિરોધને કારણે લીડરશિપ ચેન્જ અંગેની ચર્ચાઓ તેજ બની છે.
વેસ સ્ટ્રીટિંગનું રાજીનામું
આ સમગ્ર રાજકીય ઉથલપાથલમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના રહી છે પૂર્વ આરોગ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગનું રાજીનામું. સ્ટ્રીટિંગે માત્ર પદ છોડ્યું નથી પરંતુ સ્ટાર્મરના નેતૃત્વ પર સવાલો પણ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે પક્ષને નવા વિચારો અને દિશાની જરૂર છે. સ્ટ્રીટિંગે જાહેર કર્યું છે કે જો લેબર પાર્ટીમાં નેતૃત્વ માટે ચૂંટણી થાય તો તેઓ તેમાં ભાગ લેશે. તેમણે બ્રેક્સિટને “ભૂલ” ગણાવી અને યુરોપિયન યુનિયન સાથે ફરી નજીકના સંબંધોની વકાલાત કરી છે, જે પક્ષની અંદર નવી ચર્ચાઓને જન્મ આપે છે.
આ પણ વાંચો: FBI જેટ, 50 હજારનો શૂટ અને ગર્લફ્રેન્ડ સાથે વૈભવી ખર્ચા : વિવાદોમાં આવ્યા કાશ પટેલ
સંભવિત નવા નેતાઓ
જો સ્ટાર્મર પદ છોડે અથવા તેમને હટાવવામાં આવે તો લેબર પાર્ટીમાં ઘણા મોટા નામો આગળ આવી શકે છે. તેમાં સૌથી ચર્ચિત નામ છે એન્ડી બર્નહેમ જે હાલમાં ગ્રેટર મેનચેસ્ટરના મેયર છે. બર્નહેમ ફરી સંસદમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કારણ કે પ્રધાનમંત્રી બનવા માટે MP હોવું જરૂરી છે. બીજું મહત્વનું નામ એન્જેલા રેનરનું છે જેઓ પાર્ટીમાં મજબૂત ગ્રાસરૂટ સપોર્ટ ધરાવે છે. તાજેતરમાં તેમના વિરુદ્ધના ટેક્સ કેસમાં ક્લીન ચીટ મળ્યા બાદ તેઓ ફરી સક્રિય રાજકારણમાં આગળ આવી શકે છે. આ સિવાય શાબાના મહમૂદ, એડ મિલિબેન્ડ અને અન્ય નેતાઓ પણ સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવે છે, જે લેબર પાર્ટીના વિવિધ વિચારધારાત્મક જૂથોને પ્રતિનિધિત્વ આપે છે.
રાજકીય સંકટ પાછળના કારણો
લેબર પાર્ટીમાં વધતી બગાવત પાછળ અનેક કારણો છે. સૌથી મહત્વનું કારણ તાજેતરના સ્થાનિક ચૂંટણીમાં થયેલો પરાજય. જેમાં પાર્ટીએ હજારો બેઠકો ગુમાવી દીધી હતી. આ પરિણામોએ સ્ટાર્મરના નેતૃત્વ પર સવાલ ઊભા કર્યા છે. તે ઉપરાંત નીતિગત નિર્ણયોમાં ગુંચવણ, પક્ષની અંદર મતભેદ અને નેતૃત્વ શૈલી અંગે અસંતોષ પણ મહત્વપૂર્ણ પરિબળો છે. કેટલાક નેતાઓએ સ્ટાર્મર પર “વિઝનનો અભાવ” હોવાનો આરોપ લગાવ્યો છે.
હાલની સ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે શું સ્ટાર્મર વાસ્તવમાં રાજીનામું આપશે કે નહીં. અત્યાર સુધીના સંકેતો મુજબ તેઓ પદ છોડવા તૈયાર નથી અને પડકારનો સામનો કરવાની તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ પક્ષની અંદર વધતી અસંતોષની લહેરને જોતા આવતા અઠવાડિયામાં પરિસ્થિતિ વધુ તીવ્ર બની શકે છે.






