Labour MP Rebellion: બ્રિટનના રાજકારણમાંથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડાપ્રધાન કીયર સ્ટાર્મરની ખુરશી પર જોખમના વાદળો ઘેરાયા છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પક્ષની અંદર જ વિરોધનો વંટોળ ફૂંકાયો છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોતાની જ પાર્ટીના ડઝનબંધ સાંસદોએ વડાપ્રધાન વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે, જેના કારણે બ્રિટિશ સરકારના અસ્તિત્વ સામે સવાલો ઉભા થયા છે.
72 સાંસદોનો ખુલ્લો બળવો: 'રાજીનામું આપો અથવા તારીખ નક્કી કરો'
બ્રિટનના વડાપ્રધાન કીયર સ્ટાર્મર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. લેબર પાર્ટીના કુલ 403 સાંસદોમાંથી અત્યાર સુધીમાં 72 સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે. મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા સાંસદોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ બળવાખોર જૂથનું સ્પષ્ટ કહેવું છે કે, કાં તો PM તુરંત પદ છોડે અથવા તો તેઓ ક્યારે રાજીનામું આપશે તેની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરે. આટલી મોટી સંખ્યામાં સાંસદોના વિરોધના કારણે સ્ટાર્મર સરકારની સ્થિરતા જોખમમાં મુકાઈ ગઈ છે.
કેબિનેટમાં બે ભાગલા: ગૃહમંત્રીએ જ વડાપ્રધાનને બતાવ્યો બહારનો રસ્તો
આ રાજકીય ડ્રામામાં સૌથી આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે બ્રિટિશ કેબિનેટમાં જ બે ફાંટા પડી ગયા. સામાન્ય રીતે વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા મંત્રીઓમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો છે. બ્રિટનના ગૃહમંત્રી શબાના મહમૂદે ખુલ્લેઆમ વડાપ્રધાનને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવી દીધું છે. જોકે, કેબિનેટના કેટલાક મંત્રીઓ હજુ પણ PM ની પડખે હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ગૃહમંત્રી જેવું કદાવર નામ વિરોધમાં આવતા સ્ટાર્મર માટે "ઘરના જ ઘાતકી" જેવી સ્થિતિ સર્જાઈ છે.
શા માટે લેબર પાર્ટીમાં ભભૂકી રહ્યો છે રોષ? (મુખ્ય કારણો)
PM સ્ટાર્મર સામેની નારાજગી પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ: ઈંગ્લેન્ડમાં સ્થાનિક ચૂંટણી દરમિયાન લેબર પાર્ટીએ લગભગ 1,500 કાઉન્સિલરોની બેઠકો ગુમાવી છે, જે પક્ષ માટે મોટો ફટકો છે.
ઐતિહાસિક ગઢ ધરાશાયી: વેલ્સમાં લેબર પાર્ટીનું એક સદી જૂનું વર્ચસ્વ ખતમ થઈ ગયું છે અને સ્કોટલેન્ડમાં પાર્ટીનું પ્રદર્શન અત્યાર સુધીનું સૌથી ખરાબ રહ્યું છે.
વિરોધ પક્ષોની મજબૂતી: રિફોર્મ યુકે અને ગ્રીન પાર્ટી જેવી નાની પાર્ટીઓ લેબરના પરંપરાગત મતો ખેંચી રહી છે, જે સાંસદો માટે ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: આજે 12 મે : આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ
PM સ્ટાર્મરનો વળતો પ્રહાર: 'હું લડીશ અને સાબિત કરીશ'
આટલા ભીષણ વિરોધ અને રાજીનામાની માંગ વચ્ચે પણ PM કીયર સ્ટાર્મર મક્કમ વલણ અપનાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલ પદ છોડવાના મૂડમાં નથી. પોતાના બચાવમાં તેમણે કહ્યું કે, "હું મારા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરીશ. હું સ્વીકારું છું કે મારી સરકારથી કેટલીક 'ભૂલો' થઈ છે, પરંતુ અમારા મોટા રાજકીય નિર્ણયો હંમેશા સાચા રહ્યા છે. અત્યારે પદ છોડવું એ દેશને અરાજકતામાં ધકેલવા જેવું હશે."
હવે જોવાનું એ રહેશે કે આવનારા 24 કલાકમાં બ્રિટનના રાજકારણમાં શું નવો વળાંક આવે છે અને શું સ્ટાર્મર પોતાની ખુરશી બચાવી શકશે કે કેમ.





