Home Gujarat Surat Surat Puna Lake Garden Karan Vaghela Murder Case Solved

સુરતમાં જાહેરમાં યુવકનું ઢીમ ઢાળી દેવાના કેસનો ઉકેલાયો ભેદ : સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપ્યા

4 આરોપીની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 13, 2026, 05:55 AM IST

સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલા લેક ગાર્ડન પાસે દિવસે દહાડે થયેલી યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. જાહેરમાં તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને કરણ વિક્રમભાઈ વાઘેલા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાવી હતી. જોકે ઘટનાના ગણતરીના કલાકોમાં જ સુરત ક્રાઈમ બ્રાંચે હત્યાનો ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડી કેસનો પર્દાફાશ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, પુણા લેક ગાર્ડનના મુખ્ય ગેટ નજીક 25થી 30 વર્ષની વયના કરણ વાઘેલા પર 2થી 3 ઈસમોએ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને અન્ય ઘાતક સાધનો વડે કરણ પર આડેધડ પ્રહાર કર્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે કરણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જાહેરમાં હત્યાથી વિસ્તારમાં ફેલાયો ભય

ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દિવસ દરમિયાન જાહેર સ્થળે થયેલી આ હત્યાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે અનેક સંભવિત કારણો પર તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા હતા અને વિવિધ ટીમોને આરોપીઓની શોધખોળ માટે કાર્યરત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આ તો ગજબની મિત્રતા! : વડોદરામાં મિત્રના વિરહમાં સ્ટેટસ મૂકી મિત્રએ જીવન ટૂંકાવ્યું

અનૈતિક સંબંધની શંકામાં રચાયો

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આ હત્યા પાછળ અનૈતિક સંબંધની શંકા મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓને કરણ અને એક મહિલા વચ્ચે સંબંધ હોવાની શંકા હતી. આ શંકાના આધારે આરોપીઓએ કરણને રસ્તામાં અટકાવી તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલા દરમિયાન છરી અને લોખંડના પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પૂર્વ આયોજન મુજબ કરણને નિશાન બનાવી હુમલો કર્યો હતો.

ક્રાઈમ બ્રાંચે કલાકોમાં ઉકેલ્યો કેસ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ક્રાઈમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન ટ્રેકિંગ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસને ઝડપ આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ભાઈબંધ અને સસરા સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.

હાલ તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે પુણા પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ હવે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો, ઘટનાની ચોક્કસ સમયરેખા અને અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ઓનલાઈન ઓર્ડર કરનારાઓ સાવધાન! : સુરતમાં બ્રાન્ડેડ સામાનના નામે ચાલતા કૌભાંડનો થયો પર્દાફાશ

સુરતમાં ગુનાખોરીનો વધતો ગ્રાફ ચિંતાજનક

આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં વધતી ગુનાખોરી અંગે ચર્ચા જગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા માત્ર પાંચ મહિનામાં શહેરમાં હત્યાના 52 જેટલા કેસ નોંધાયા છે. જાહેરમાં થતી હત્યાઓ અને ગંભીર ગુનાઓના વધતા બનાવોને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ મજબૂત બનાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મુસાફરો માટે મોટા સમાચાર : ગુજરાતમાં વંદે ભારતના બદલાયા રૂટ; જાણો ક્યાં-ક્યાં મળશે સ્ટોપેજ

પોલીસની આગળની કાર્યવાહી

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. હત્યા પાછળના તમામ કારણો, અગાઉના વિવાદો અને ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે. કરણે વાઘેલાની હત્યાના કેસનો ઝડપી ભેદ ઉકેલાતા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે, પરંતુ શહેરમાં વધતી ગુનાખોરીને નિયંત્રણમાં લેવા માટે હજુ પણ પડકારો યથાવત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now