સુરત પોલીસ દ્વારા શહેરમાં ચાલી રહેલી વોન્ટેડ આરોપીઓ સામેની વિશેષ ઝુંબેશ દરમિયાન બે મહત્વપૂર્ણ સફળતાઓ મળી છે. એક તરફ 1992ના લૂંટના ગુનામાં છેલ્લા 34 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તો બીજી તરફ આંતરરાજ્ય મંદિર ચોરી ગેંગનો પર્દાફાશ કરીને કર્ણાટકના ચાર અલગ-અલગ મંદિર ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલી દેવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વર્ષોથી ફરાર અને વોરંટ ધરાવતા આરોપીઓને પકડવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશન અને સારોલી પોલીસ સ્ટેશનની ટીમોએ નોંધપાત્ર કામગીરી કરી છે.
1992ના લૂંટ કેસનો આરોપી 34 વર્ષ બાદ ઝડપાયો
સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે 1992માં નોંધાયેલા લૂંટના ગુનામાં ફરાર રહેલા તાનાજી તરસનજી ઠાકોરની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું અને વર્ષોથી તે પોલીસ પકડથી દૂર રહ્યો હતો.
સુરત ઝોન-1ના ડીસીપી કાનન દેસાઈના જણાવ્યા અનુસાર આરોપી હાલમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતો હતો. ચોક્કસ બાતમી મળતા જ પોલીસ ટીમને અમદાવાદ મોકલવામાં આવી હતી અને ત્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 60 વર્ષીય તાનાજી તરસનજી ઠાકોર લાંબા સમયથી અલગ-અલગ સ્થળોએ રહેતો હતો અને નાની-મોટી ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.
‘કાજલ હિન્દુસ્તાનીને અધૂરી માહિતી છે’: વિનુ મોરડિયાના બચાવમાં આવ્યા ભાજપના નેતા સ્વાતિ સોસા
મહેસાણાના બે વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયા
આ જ અભિયાન દરમિયાન પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી હતી. મહેસાણા જિલ્લાના રહેવાસી જયંતીભાઈ ઈશ્વરભાઈ પટેલ અને દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ સામે પણ વર્ષોથી કલમ 70 હેઠળના વોરંટ પેન્ડિંગ હતા.
પોલીસને બાતમી મળી હતી કે બંને આરોપીઓ હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. માહિતીના આધારે કાર્યવાહી કરીને બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે દાયકાઓ જૂના આરોપીઓને શોધી કાઢવી પોલીસ માટે મોટી પડકારરૂપ કામગીરી હોય છે. આરોપીઓ સરનામું, વ્યવસાય અને રહેવાનું સ્થળ બદલી નાખતા હોવાથી તેમની ઓળખ અને લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ બની જાય છે.
વર્ષો બાદ આરોપીઓને શોધવામાં શું પડકાર?
કાનન દેસાઈએ જણાવ્યું કે લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધવા માટે માત્ર દસ્તાવેજી માહિતી પૂરતી નથી. ઘણી વખત આરોપીઓના સંબંધીઓ પણ પોલીસને સહકાર આપતા નથી. ઉપરાંત વર્ષો બાદ ચહેરામાં થયેલા ફેરફારોને કારણે ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે.
તેમણે કહ્યું કે પોલીસ સતત માહિતી એકત્રિત કરીને, વિવિધ સ્થળોએ ટીમો મોકલીને અને ટેક્નિકલ સાધનોની મદદથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આવા કેસોમાં એક નાની લીડ પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
રંગીનમિજાજી લોકોને ખુશ કરવા સુરતની હોટલમાં ચાલતું હતું કુટણખાનું!: જાણો કેવી રીતે ચાલતો હતો સમગ્ર ખેલ?
સારોલી પોલીસે ઉકેલ્યો આંતરરાજ્ય મંદિર ચોરી ગેંગનો ભેદ
બીજી તરફ સારોલી પોલીસે કર્ણાટકના ચાર મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ચોરી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. નિયોલ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે વિજય બાબુભાઈ ગુડિયા અને તેના સાથી ગુરજી નામના આરોપીને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઇલ ફોન અને ધાર્મિક સામગ્રી સહિત કુલ અંદાજે 8.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જપ્ત કરાયેલી સામગ્રીમાં 4.4 કિલોથી વધુ વજનની ચાંદીની ધાર્મિક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે કર્ણાટકના મંદિરોમાંથી ચોરી કરાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.કર્ણાટકના ચાર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓનો થયો પર્દાફાશ
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ વિરુદ્ધ કર્ણાટકના ચિત્રદુર્ગ, દાવણગેરે તથા હુબલી-ધારવાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મંદિર ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.
સુરત પોલીસે આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલની ખરાઈ કરવા માટે કર્ણાટક પોલીસનો સંપર્ક કર્યો હતો. સંબંધિત પોલીસ સ્ટેશનો પાસેથી ફરિયાદોની નકલો મેળવી તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોરીનો મુદ્દામાલ હોવાની પુષ્ટિ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બંને આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. ગુરજી સામે આણંદ જિલ્લામાં લૂંટનો ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે વિજય ગુડિયા દાહોદ જિલ્લાના મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત: પરિવારનો ધક્કો મારી નીચે ફેંક્યાનો આક્ષેપ
અન્ય રાજ્યોમાં પણ સંડોવણીની તપાસ
હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે તેઓ અન્ય રાજ્યોમાં થયેલી ચોરીઓમાં સંડોવાયેલા છે કે નહીં.
સુરત પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલી રહેલી કોમ્બિંગ, વાહન ચેકિંગ અને નાકાબંધી કામગીરીના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળી રહી છે. આગામી દિવસોમાં પણ વોન્ટેડ આરોપીઓ અને ગુનાહિત તત્વો સામે આ અભિયાન વધુ તીવ્ર બનાવવામાં આવશે.






