Surat Cyber Crime: ઓનલાઈન રોકાણના નામે વધી રહેલી સાયબર છેતરપિંડી સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ સતત કડક કાર્યવાહી કરી રહી છે. "ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0" અંતર્ગત પોલીસે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. લાખો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સંડોવાયેલા ફરાર આરોપીની ધરપકડ કરીને સાયબર ગેંગના નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. પોલીસ તપાસ મુજબ, ફરિયાદીનો સંપર્ક "એક્યુમેન ઇન્વેસ્ટમેન્ટ કંપની"ના પ્રતિનિધિ તરીકે કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને ગોલ્ડ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી બનાવટી ટ્રેડિંગ વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 7.86 લાખ જમા કરાવવામાં આવ્યા હતા. જોકે રોકાણ બાદ રૂપિયા પરત ન મળતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
ટેક્નિકલ તપાસના આધારે આરોપી સુધી પહોંચી પોલીસ
ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ટ્રેકિંગ અને ટેક્નિકલ વિશ્લેષણ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન અમદાવાદના બેહરામપુરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સંજય મોહનભાઈ મારૂની ઓળખ થઈ હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા અને બેંકિંગ સંબંધિત વિગતો સાયબર ઠગોને આપી હતી, જેનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: કામરેજમાં શંકાસ્પદ ઘી ફેક્ટરી પર પોલીસનો દરોડો: તેલ-ક્રીમ સહિતનો જથ્થો સીલ
દિલ્હી સ્થિત સાયબર ગેંગ સાથે જોડાણ બહાર આવ્યું
તપાસ દરમિયાન સામે આવ્યું કે અગાઉ ઝડપાયેલા મહેન્દ્ર સોલંકી સાથે મળીને આરોપીએ અનેક બેંક ખાતાઓ દિલ્હી સ્થિત સાયબર ગેંગને સોંપ્યા હતા. આ ખાતાઓ મારફતે દેશના વિવિધ રાજ્યોમાં ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓ આચરવામાં આવતા હતા. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કરવામાં આવેલી તપાસમાં આરોપીઓના ખાતાઓ 20 જેટલી સાયબર ફરિયાદો સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ સમગ્ર નેટવર્ક દ્વારા રૂ. 5.67 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો: સુરત સાયન્સ સેન્ટરમાં મોટી બેદરકારી: 6 કર્મચારીઓની સર્વિસ બુક ગુમ, વહીવટી તંત્ર દોડતું થયું
લોકોને સાવચેત રહેવાની અપીલ
સાયબર ક્રાઇમ સેલે લોકોને સોશિયલ મીડિયા, વોટ્સએપ, ટેલિગ્રામ અથવા અજાણ્યા નંબર પરથી મળતી રોકાણ સંબંધિત આકર્ષક ઓફરોથી દૂર રહેવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડીનો ભોગ બનતા જ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવો અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ.





