Home Gujarat Sabarmati Veraval Vande Bharat Route Change Dholka Botad New Timetable

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મુસાફરો માટે મોટા સમાચાર : ગુજરાતમાં વંદે ભારતના બદલાયા રૂટ; જાણો ક્યાં-ક્યાં મળશે સ્ટોપેજ

Vande Bharat Route Change
Image Credit: printrest
Published by: Nirali Gohil
Last Updated: Jun 13, 2026, 04:46 AM IST

Vande Bharat Route Change: ગુજરાતના રેલવે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશની અદ્યતન અને ઝડપી ટ્રેનોમાં સામેલ સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રેલવે બોર્ડે આ ટ્રેનને નવા માર્ગ પરથી દોડાવવાની મંજૂરી આપી દીધી છે, જેના કારણે અનેક નવા શહેરો અને તાલુકાઓને પ્રથમ વખત વંદે ભારત ટ્રેનની સેવા મળશે. હાલમાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જેતલસર અને જૂનાગઢ માર્ગે સંચાલિત થાય છે. પરંતુ નવા નિર્ણય બાદ ટ્રેન ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા માર્ગે દોડશે. આ ફેરફારને કારણે મધ્ય ગુજરાત અને ગોહિલવાડ વિસ્તારના મુસાફરોને સીધો લાભ મળવાની સંભાવના છે.

રાજકોટ-વિરમગામ સહિતના સ્ટેશનો પર હવે નહીં રહે સ્ટોપેજ

નવા રૂટ અમલમાં આવ્યા બાદ વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પર વંદે ભારત એક્સપ્રેસનું કોમર્શિયલ સ્ટોપેજ બંધ થઈ જશે. જેના કારણે આ વિસ્તારોના મુસાફરોને આ ટ્રેનની સીધી સુવિધા ઉપલબ્ધ નહીં રહે. બીજી તરફ ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા જેવા સ્ટેશનોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસનું કનેક્શન મળશે. લાંબા સમયથી આ વિસ્તારોના લોકો ઝડપી અને આધુનિક ટ્રેન સેવાની માંગ કરી રહ્યા હતા, જેને હવે પૂર્ણ થવાની આશા છે.

વંદે ભારતનું નવું સમયપત્રક શું રહેશે?

રેલવે દ્વારા મંજૂર કરાયેલા નવા સમયપત્રક અનુસાર ટ્રેન નંબર 24901 સાબરમતીથી સવારે 6:00 વાગ્યે રવાના થશે. ત્યારબાદ ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા અને ઢસા થઈને બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 29602 વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે. ઉપલબ્ધ પ્રાથમિક સમયપત્રક મુજબ ટ્રેન ગાંધીગ્રામ ખાતે સવારે 6:16 વાગ્યે, ધોળકા ખાતે 7:13 વાગ્યે, ધંધુકા ખાતે 8:00 વાગ્યે, બોટાદ ખાતે 8:40 વાગ્યે, ધોળા ખાતે 9:16 વાગ્યે અને ઢસા ખાતે 9:38 વાગ્યે પહોંચશે.

આ પણ વાંચો: ગુજરાતમાં પેરામેડિકલનો ક્રેઝ ઘટ્યો?: 56k બેઠકો સામે માત્ર 27k વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

નવા રૂટથી કોને મળશે સૌથી વધુ લાભ?

નવા રૂટનો સૌથી મોટો લાભ ધોળકા, ધંધુકા, બોટાદ અને ગોહિલવાડ વિસ્તારના મુસાફરોને મળશે. અત્યાર સુધી આ વિસ્તારોના લોકોને અમદાવાદ અથવા રાજકોટ સુધી જઈને વંદે ભારત ટ્રેન પકડવી પડતી હતી. હવે તેઓ પોતાના નજીકના સ્ટેશન પરથી જ આ પ્રીમિયમ ટ્રેનની સુવિધાનો લાભ લઈ શકશે. વ્યવસાયિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પણ આ ફેરફાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને સોમનાથ અને ગીર વિસ્તાર તરફ જતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સરળ બનશે.

અમલની તારીખ અંગે હજુ સસ્પેન્સ

રેલવે બોર્ડે રૂટ ફેરફારને મંજૂરી આપી દીધી છે, પરંતુ નવા રૂટનો અમલ કઈ તારીખથી શરૂ થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રેલવેના આદેશ અનુસાર આ ફેરફાર એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) અથવા 'નો બુકિંગ' તારીખમાંથી જે તારીખ વહેલી હશે તે દિવસથી અમલમાં આવશે. તેથી મુસાફરોને આગામી સત્તાવાર જાહેરનામાની રાહ જોવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઘર લેવાનું સપનું હવે થશે મોંઘું!: ફ્લેટ-મકાનોના ભાવ જશે આસમાને! જાણો આવું કેમ અને શા માટે?

ગુજરાતના રેલ નેટવર્કમાં મહત્વનો બદલાવ

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં થતો આ ફેરફાર માત્ર ટ્રેનના માર્ગનો બદલાવ નથી, પરંતુ ગુજરાતના રેલવે નેટવર્કમાં એક વ્યૂહાત્મક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે. નવા વિસ્તારોને ઝડપી રેલ કનેક્ટિવિટી મળવાથી સ્થાનિક અર્થતંત્ર, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રેલવે તરફથી સત્તાવાર અમલીકરણ તારીખ જાહેર થયા બાદ મુસાફરો માટે નવી બુકિંગ વ્યવસ્થા અને સમયપત્રક પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now