Home National Supreme Court Relief Shankaracharya Avimukteshwaranand Pocso Case

POCSO કેસમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને સુપ્રીમ કોર્ટમાંથી રાહત : આગોતરા જામીન યથાવત

hankaracharya Avimukteshwaranand POCSO Case
Image Credit: wikipedia
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 07:52 AM IST

Shankaracharya Avimukteshwaranand POCSO Case: POCSO એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર કેસમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે તેમની આગોતરા જામીન (Anticipatory Bail) યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે અને ફરિયાદીની અરજી ફગાવી દીધી છે. ફરિયાદી પક્ષે દલીલ કરી હતી કે ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવી યોગ્ય નહોતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. એમ. સુન્દ્રેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કેસની પરિસ્થિતિ અને ફરિયાદ નોંધાવવામાં થયેલા વિલંબ અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ રીતે પૂછ્યું કે જો ફરિયાદીને શરૂઆતથી જ ઘટનાની જાણ હતી, તો તેમણે તે સમયે પોલીસને જાણ કેમ ન કરી?

ફરિયાદી પક્ષની અરજી શું હતી?

ફરિયાદી પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપ અત્યંત ગંભીર છે અને તેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં આગોતરા જામીન માત્ર અત્યંત દુર્લભ સંજોગોમાં જ આપવી જોઈએ. અરજીમાં એવો પણ આરોપ મૂકાયો હતો કે હાઈકોર્ટ દ્વારા મીડિયા સાથે સંપર્ક ન કરવા માટે મૂકવામાં આવેલી શરતોનું ઉલ્લંઘન થયું છે. આથી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત પર ફરીથી વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે વિલંબ પર ઉઠાવ્યા સવાલ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરિયાદી પક્ષને પૂછ્યું કે, જો તેઓ ઘટનાથી પહેલેથી જ વાકેફ હતા, તો તે સમયે તેમણે કઈ કાર્યવાહી કરી હતી? બેન્ચે સવાલ કર્યો કે, “જો તમને ઘટનાની જાણ હતી અને તમે ત્યાં હાજર પણ હતા, તો પોલીસ સમક્ષ તે સમયે આ વાત કેમ રજૂ ન કરી?” ફરિયાદી તરફથી જવાબ આપવામાં આવ્યો કે તે સમયે તેઓ આ ઘટનાથી ખૂબ જ આઘાતમાં હતા. જોકે, કોર્ટે આ દલીલથી અસંતોષ વ્યક્ત કર્યો અને અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો.

આ પણ વાંચો: CM પદેથી રાજીનામું છતાં રાજ્યસભામાં નહીં જાય સિદ્ધારમૈયા!: પુત્ર માટે આ ખાસ મંત્રાલયોની કરી માંગ

કેસની પૃષ્ઠભૂમિ: શું છે સમગ્ર વિવાદ?

શંકપુરી પીઠાધીશ્વર આશુતોષ મહારાજે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર પ્રયાગરાજ કેમ્પમાં બે સગીર છોકરાઓના શારીરિક શોષણનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદના આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટે શંકરાચાર્ય વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ બાદ શંકરાચાર્યે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેમાં તેમને રાહત મળી હતી. ફરિયાદીએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આગોતરા જામીન અને શરતોનો ભંગ

ફરિયાદ પક્ષની એવી પણ રજૂઆત હતી કે, આ આરોપો આજીવન કેદની સજા સુધી લઈ જઈ શકે તેવા ગંભીર છે, તેથી આવા કેસોમાં આગોતરા જામીન માત્ર દુર્લભ સંજોગોમાં જ મળવા જોઈએ. વધુમાં, અરજીમાં એવી પણ ફરિયાદ કરવામાં આવી હતી કે, હાઈકોર્ટે મીડિયામાં નિવેદન આપવા પર જે પ્રતિબંધ લગાવ્યો હતો, તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટની હાલની સુનાવણીએ શંકરાચાર્યને મોટી રાહત આપતા જામીન કાયમ રાખ્યા છે.

હાઈકોર્ટથી પણ મળી હતી રાહત

હાઈકોર્ટે અગાઉ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને આગોતરા જામીન આપતા ફરિયાદમાં કેટલાક મુદ્દાઓને લઈને શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ફરિયાદી પક્ષે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શંકરાચાર્યને મળેલી આગોતરા જામીન યથાવત રહેશે, જેને કેસમાં મોટી કાનૂની રાહત તરીકે જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now