Home National Siddaramaiah Delhi Visit Demand For Special Ministries For Son Yathindra Ministry Demand Karnataka Politics Gujarati

CM પદેથી રાજીનામું છતાં રાજ્યસભામાં નહીં જાય સિદ્ધારમૈયા! : પુત્ર માટે આ ખાસ મંત્રાલયોની કરી માંગ

Siddaramaiah Karnataka Politics
Image Credit: dkshivakumar_official
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 07:38 AM IST

Siddaramaiah Delhi Visit: રાજ્યના રાજકારણના સૌથી કદાવર નેતા ગણાતા સિદ્ધારમૈયાએ ભલે સત્તાની ધુરા સોંપી દીધી હોય, પરંતુ તેમનો રાજકીય પ્રભાવ હજુ પણ યથાવત છે. ગુરુવારે સીએમ પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેઓ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક માત્ર ઔપચારિક નહોતી, પરંતુ કર્ણાટકના નવા કેબિનેટના ગઠન અને રાજ્યની ભવિષ્યની રાજનીતિને દિશા આપનારી રહી છે.હાઈકમાન્ડ સાથેની આ મુલાકાતમાં સિદ્ધારમૈયાએ માત્ર સલાહ જ નથી આપી, પરંતુ પોતાની માંગણીઓની એક લાંબી યાદી (Wish List) રજૂ કરી છે. ખાસ કરીને પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાને રાજકીય રીતે મજબૂત કરવા માટે તેમણે મંત્રાલયો પસંદ કર્યા છે, જે સ્પષ્ટ કરે છે કે સિદ્ધારમૈયા રાજ્યના રાજકારણમાં હજુ પણ 'પાવર સેન્ટર' બનીને રહેવા માંગે છે.

રાજ્યસભાની ઓફર ઠુકરાવી, કર્ણાટકના રાજકારણમાં જ રહેશે સિદ્ધારમૈયા

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય કરવા માટે રાજ્યસભામાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સિદ્ધારમૈયાએ આ ઓફરને નમ્રતાપૂર્વક ફગાવી દીધી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી. હું કર્ણાટકની જનતા અને રાજ્યની રાજનીતિ સાથે જોડાયેલો રહેવા માંગુ છું." આ નિવેદન સાબિત કરે છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાના મૂડમાં જરાય નથી.

પુત્ર યતીન્દ્ર માટે ખાસ મંત્રાલયોની માંગ

સિદ્ધારમૈયાએ નવી કેબિનેટમાં પોતાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયા માટે અત્યંત મહત્વના અને 'મલાઈદાર' ગણાતા મંત્રાલયોની માંગણી કરીને રાજકીય ગલિયારાઓમાં ઉત્સુકતા જગાવી છે. તેમણે ખાસ કરીને તબીબી શિક્ષણ અને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલય પર પસંદગી ઉતારી છે, જે તેમના રાજકીય વારસાને સુરક્ષિત રાખવા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે ઉદ્યોગ અથવા જળ સંસાધન મંત્રાલયની પણ માંગ કરી છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, જળ સંસાધન મંત્રાલય અગાઉ ડી.કે. શિવકુમાર પાસે હતું, જે વિભાગની માંગણી કરીને સિદ્ધારમૈયાએ પરોક્ષ રીતે પોતાની રાજકીય તાકાત અને વર્ચસ્વનું પ્રદર્શન કર્યું છે. આમ, પુત્રને મહત્વનું પદ અપાવીને તેઓ માત્ર પોતાનો વારસો જ આગળ વધારવા નથી માંગતા, પરંતુ રાજ્યના નિર્ણાયક વિભાગો પર પોતાની પકડ પણ જાળવી રાખવા માંગે છે.

આ પણ વાંચો: 'તારીખ પે તારીખ'નો અંત!: હાઈકોર્ટોને સુપ્રીમ કોર્ટનો હચમચાવી દેતો આદેશ! હાઈકોર્ટોને સુપ્રીમ કોર્ટનો હચમચાવી દેતો આદેશ!

પછાત વર્ગના નેતા તરીકેનો દબદબો અને જનસમર્થન

સિદ્ધારમૈયાનું કદ કેટલું મોટું છે તે તેમના રાજીનામા બાદ થયેલા વિરોધ પ્રદર્શન પરથી સમજી શકાય છે. અહિંડા બ્લોકના સભ્યો, દલિતો, લઘુમતીઓ અને પછાત વર્ગના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. છેલ્લા નવ વર્ષમાં બે જ્ઞાતિ સર્વેક્ષણો કરાવીને તેમણે રાજ્યના સૌથી મોટા પછાત વર્ગના નેતા તરીકેની છાપ ઊભી કરી છે. તેમના પ્રભાવનો અંદાજ એ વાત પરથી પણ આવે છે કે, જ્યારે હાઈકમાન્ડે સતીશ જારકીહોલીને KPCC પ્રમુખ પદની ઓફર કરી, ત્યારે તેમણે પણ સૌ પ્રથમ સિદ્ધારમૈયા સાથે પરામર્શ કરવાનું પસંદ કર્યું.

રાજીનામા બાદ સમર્થકો રસ્તા પર ઉતર્યા

ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયાના રાજીનામા બાદ તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને અહિંડા (AHINDA) સમુદાય, લઘુમતી, પછાત વર્ગો અને દલિત સંગઠનોએ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ વિરોધ દર્શાવે છે કે કર્ણાટકના OBC અને લઘુમતી મતદારોમાં સિદ્ધારમૈયાની લોકપ્રિયતા હજુ પણ મજબૂત છે અને ભવિષ્યની રાજનીતિમાં તેમનો પ્રભાવ મહત્વપૂર્ણ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now