સુપ્રીમ કોર્ટે શુક્રવારે રખડતા શ્વાન મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે આપતાં સ્પષ્ટ કર્યું કે પકડાયેલા શ્વાનોને નસબંધી અને રસીકરણ કર્યા બાદ જ છોડવા પડશે. જ્યારે હડકવાથી સંક્રમિત કે આક્રમક વર્તન ધરાવતા શ્વાનોને રસ્તા પર પાછા મૂકવાના નહીં.
11 ઓગસ્ટે કોર્ટની બે જજોની બેન્ચે આદેશ આપ્યો હતો કે દિલ્હી-NCRમાંથી 8 અઠવાડિયામાં તમામ રખડતા શ્વાનોને પકડીને આશ્રય ગૃહોમાં મોકલવામાં આવે. આદેશ સામે ભારે વિરોધ થતાં મામલો ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચને સોંપાયો હતો.
કોર્ટએ આ પહેલા 28 જુલાઈએ દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલાઓ અને હડકવાના કેસોમાં વૃદ્ધિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સરકારના આંકડા મુજબ, વર્ષ 2024માં 37 લાખથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા.
આ મામલે BJP સાંસદ મેનકા ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે માત્ર દિલ્હીમાં જ ત્રણ લાખ રખડતા શ્વાન છે. જો તમામને પકડીને આશ્રય ગૃહોમાં મોકલવાના હોય, તો હજારો નવા આશ્રય ગૃહો બાંધવા પડશે, કારણ કે એક સાથે એટલા બધા શ્વાનોને રાખી શકાતાં નથી.