MSU Vadodara News: સંસ્કારી નગરી વડોદરાની શાન ગણાતી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. વર્ષોથી ધોરણ-12ના મેરિટના આધારે પ્રવેશ આપવાની પરંપરા ધરાવતી કોમર્સ ફેકલ્ટીમાં સત્તાધીશોએ અચાનક 'એન્ટ્રન્સ એક્ઝામ' (પ્રવેશ પરીક્ષા) દાખલ કરવાનો નિર્ણય લેતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટીના ઈતિહાસમાં આ પ્રકારનો ફેરફાર પ્રથમવાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થી સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે અને તેને વિદ્યાર્થી વિરોધી ગણાવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ફેકલ્ટીના આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.
શું છે નવો નિર્ણય?
યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા જાહેર કરાયેલા નવા નિયમ મુજબ, હવે કોમર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી પ્રવેશ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય બનશે. જોકે, વાલીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓને શાંત પાડવા માટે યુનિવર્સિટીએ આ વર્ષે બેઠકોમાં 300નો વધારો કર્યો છે. આ ઉપરાંત, વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 95% બેઠકો અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં, પ્રવેશ પરીક્ષાના જટિલ માળખા અને તેની પારદર્શિતાને લઈને અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરાની કેનાલો બની 'ડેથ ટ્રેપ' : 15 દિવસમાં 5મી જાનહાનિ, જીપીએસ સ્કૂલના વિદ્યાર્થીના અકાળે અવસાનથી માતમ
વિદ્યાર્થી નેતાઓનો આક્ષેપ: 'હિટલરશાહી' અને ખાનગી ક્લાસિસને ફાયદો
વિદ્યાર્થી સંગઠનો આ નિર્ણયને સદંતર નકારી રહ્યા છે. પંકજ જયસ્વાલ અને નિખિલ સોલંકી જેવા વિદ્યાર્થી અગ્રણીઓએ આને 'હિટલરશાહી' ગણાવી છે. તેમનો મુખ્ય આક્ષેપ એ છે કે જ્યારે રાજ્ય સરકાર 'જીકાસ' (GCAS) પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા ચલાવી રહી છે, ત્યારે MSU એ પોતાની અલગ પરીક્ષા થોપીને વિદ્યાર્થીઓ પર માનસિક અને આર્થિક બોજ વધાર્યો છે. સૌથી ગંભીર આક્ષેપ એ થઈ રહ્યો છે કે આ નિર્ણય પાછળ ખાનગી કોચિંગ ક્લાસિસને આર્થિક ફાયદો કરાવવાનું મોટું કાવતરું હોઈ શકે છે, કારણ કે હવે એન્ટ્રન્સના નામે ક્લાસિસ સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી ઉઘરાવશે.
મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પ્રવેશના દ્વાર બંધ થશે?
આ નિર્ણયની સૌથી માઠી અસર સરકારી અને ગુજરાતી માધ્યમની શાળાઓમાં ભણતા મધ્યમ કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ પર પડી શકે છે. જે વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગની ફી ભરી શકતા નથી, તેમના માટે આ પ્રવેશ પરીક્ષા એક મોટું વિઘ્ન સાબિત થઈ શકે છે. ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ આ ફેરફારને 'ક્રાંતિકારી' ગણાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આનાથી શિક્ષણનું સ્તર સુધરશે. પરંતુ બીજી તરફ, બહુમતી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પ્રક્રિયાને જટિલ અને બિનજરૂરી ગણાવી રહ્યા છે.





