Vadodara News: રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી વડોદરા સેન્ટ્રલ જેલ ફરી એકવાર લોહિયાળ સંઘર્ષને કારણે વિવાદમાં આવી છે. જેલમાં સજા કાપી રહેલા પાકા કામના બે કેદીઓ વચ્ચે કોઈ અકળ કારણોસર ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જેમાં એક કેદીએ પતરામાંથી બનાવેલા ધારદાર હથિયાર વડે બીજા કેદી પર જીવલેણ હુમલો કરતા જેલ પ્રશાસનમાં ફાળ પડી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત કેદીને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પતરાનું ચપ્પુ બનાવીને ઘા ઝીંક્યા
મળતી માહિતી મુજબ, જેલમાં પાકા કામની સજા કાપી રહેલા પ્રદૂમન હિંમતસિંહ વાઘેલા ઉર્ફે ભઈલું દરબાર અને શિવ બદન કેવટ વચ્ચે અચાનક બબાલ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પ્રદૂમન વાઘેલાએ પતરાના ટુકડાને ઘસીને બનાવેલા ચપ્પુ જેવા ધારદાર હથિયાર વડે શિવ બદન કેવટ પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાને પગલે જેલના બેરેકમાં અફરાતફરી મચી ગઈ હતી.
ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલ ખસેડાયો
હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શિવ બદન કેવટને જેલના સુરક્ષાકર્મીઓ દ્વારા લોહીલુહાણ હાલતમાં જેલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જેલની અંદર પતરું ક્યાંથી આવ્યું અને તેને હથિયાર તરીકે કેવી રીતે વિકસાવવામાં આવ્યું, તે બાબતે જેલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
રાવપુરા પોલીસની તપાસ તેજ
આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ જેલ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેલ પ્રશાસન દ્વારા આ મામલે રાવપુરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોર કેદી પ્રદૂમન વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે આ હુમલો જૂની અદાવતને કારણે થયો હતો કે પછી તાત્કાલિક કોઈ કારણ જવાબદાર હતું. જેલની અંદર સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે અન્ય કેદીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.





