મલેશિયાના ટેરેંગાનું રાજ્યમાં નવી કાનૂની જોગવાઈ અમલમાં આવી રહી છે, જેના મુજબ જો કોઈ મુસ્લિમ પુરૂષ સબળ કારણ વગર (જેમ કે માંદગી, શોક પ્રસંગ, લગ્ન વગેરે) શુક્રવારની નમાજ ચૂકવે તો તેને બે વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે. સાથે જ ૩,૦૦૦ રિંગિટ (આશરે રૂ. ૬૨,૦૦૦) દંડ પણ ભરવો પડશે. જો દંડ ન ભરાય તો સજા વધુ કડક બનાવવામાં આવશે.
રાજ્યની કાર્યકારી પરિષદના સભ્ય મુહમ્મદ ખલીમ અબ્દુલ હાજીએ જણાવ્યું કે, “શુક્રવારની નમાજ માત્ર ધાર્મિક પ્રતીક નથી, પણ મુસ્લિમો વચ્ચે ભાઈચારો સ્થાપવા અને આજ્ઞાંકિત રહેવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.”
જૂનો કાયદો અને તાજેતરનો સુધારો
અગાઉની જોગવાઈ અનુસાર, જો કોઈ વ્યક્તિ સતત ત્રણ જુમ્મા (શુક્રવાર) નમાજ ચૂકવે તો જ કડક સજા થતી હતી.
હવે નવો સુધારો એ કહે છે કે, એક જ વખત સબળ કારણ વગર નમાજ ચૂકવી હોય તો પણ દંડનીય ગુનો ગણાશે.
સમગ્ર રાજ્યમાં શરિયા કાનૂન લાદવાનો પ્રયત્ન
ટેરેંગાનું રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિધાનસભામાં સમગ્ર રાજ્યમાં શરિયા કાનૂન લાગુ કરવાની દિશામાં નવું વિધેયક લાવવાની તૈયારીમાં છે.
વિવાદ અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ
હોંગકોંગ સ્થિત "સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ"ના અહેવાલ મુજબ, એક તરફ મલેશિયા પોતાને બહુ-સાંસ્કૃતિક દેશ તરીકે રજૂ કરે છે, તો બીજી તરફ તેવા કાયદાઓ દ્વારા મુસ્લિમ કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપે છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, આવા કાયદા એ દર્શાવે છે કે કેટલાંયે દેશો આજે પણ મધ્યયુગીય ધાર્મિક કાનૂનને આધુનિક સમયમાં લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.