Home Gujarat Statue Of Unity Odisha Cm Mohan Charan Majhi Visit

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ઓડિશા CM મોહન ચરણ માંઝી : સરદાર પટેલને પુષ્પાંજલિ કરી અર્પણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મોહન ચરણ માઝીની છબી
Image Credit: X.com Mohan Charan Majhi
Published by: Niraj Chokshi
Last Updated: May 07, 2026, 09:29 AM IST

રાજપીપલા ખાતે સ્થિત વિશ્વવિખ્યાત Statue of Unityની મુલાકાતે આવેલા મોહન ચરણ માંઝીએ આ સ્મારકને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિચારનું જીવંત પ્રતિક ગણાવ્યું હતું. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા આ ભવ્ય સ્મારક ખાતે તેમણે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્ભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

મુલાકાત દરમિયાન ઓરિસ્સાનાં મુખ્યમંત્રીએ પ્રતિમાનાં પરિસરમાં આવેલી પ્રદર્શન ગેલેરીની મુલાકાત લીધી હતી, જ્યાં સરદાર પટેલના જીવનપ્રસંગો, દેશના એકીકરણ માટેના તેમના ઐતિહાસિક યોગદાન અને પ્રતિમાનાં નિર્માણ કાર્યને આધુનિક રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે આ પ્રસ્તુતિને માહિતીસભર અને પ્રેરણાદાયી ગણાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં પાણી કાપ અંગે આવ્યા રાહતના સમાચાર : AMCએ કરી વૈકલ્પિક વ્યવસ્થા, 50 MLD પાણીની જ પડશે ઘટ

પ્રકલ્પોની મુલાકાત

મુલાકાત દરમિયાન ઓરિસ્સાનાં મુખ્યમંત્રીએ આરોગ્ય વન પહોંચ્યા હતા જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો જે સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું પ્રતિબિંબ છે.

આ ઉપરાંત તેમણે મિયાવાકી વન, વામન વૃક્ષ વાટિકા અને લેસર શોની મુલાકાત લીધી હતી. સાંજે નર્મદા આરતીમાં સહભાગી બની તેમણે આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વિકસાવવામાં આવેલા વિવિધ પર્યટન પ્રકલ્પોની સમૃદ્ધિને તેમણે નોંધપાત્ર ગણાવી હતી.

મુલાકાત બાદ Mohan Charan Majhiએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નિર્મિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ માટે ગૌરવનું પ્રતિક બની છે. તેમણે ઉમેર્યું કે આ સ્મારક માત્ર એક પ્રતિમા નથી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીક છે.

તેમણે ઉલ્લેખ કર્યો કે દેશભરના ગામડાઓમાંથી લોખંડ એકત્રિત કરીને આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સમગ્ર ભારતને એક સૂત્રમાં બાંધવાની ભાવનાને મજબૂત બનાવે છે. સરદાર પટેલે 565 રજવાડાઓને એકીકૃત કરીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું હતું, જે આજના સમયમાં પણ પ્રેરણારૂપ છે.

આ પણ વાંચો: ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની ઉઠી માંગ : લોહીથી લખેલા પત્રો PM અને CMને મોકલાયા, રાજ્યભરમાં યોજાઈ રેલીઓ

ગુજરાતના વિકાસ મોડલથી પ્રેરણા

મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ મોડલની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પોતાના રાજ્ય ઓડિશામાં પણ વિકાસના નવા આયામો સ્થાપિત કરવા માટે અહીંથી પ્રેરણા લઈને જઈ રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ મંત્રી સંપદ ચંદ્ર સ્વૈન, મુખ્ય સચિવ અનુ ગર્ગ, અધિક મુખ્ય સચિવ સાશ્વત મિશ્રા, જળસંપત્તિ સચિવ શુભા શર્મા અને પ્રવાસન સચિવ બળવંત સિંહ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અંતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી દ્વારા મુખ્યમંત્રીશ્રીને સરદાર પટેલની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી આ મુલાકાત માત્ર શિસ્તબદ્ધ પ્રવાસ નહોતી, પરંતુ રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વિકાસના મજબૂત સંદેશને પ્રતિબિંબિત કરતી ઘટના બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now