Home Gujarat Ahmedabad Ahmedabad Water Supply Relief Amc Alternative Arrangement

અમદાવાદમાં પાણી કાપ અંગે આવ્યા રાહતના સમાચાર : AMCએ કરી વૈકલ્પિક વ્યવસ્થા, 50 MLD પાણીની જ પડશે ઘટ

પાણીના પ્લાન્ટની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 07, 2026, 09:36 AM IST

અમદાવાદમાં નર્મદા કેનાલ લાઈનમાં થયેલા ભંગાણનાં કારણે ઊભા થયેલા પાણી સંકટ વચ્ચે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાણી પુરવઠો જાળવવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે જેના કારણે શહેરમાં સંપૂર્ણ પાણી કાપ ટળશે અને અસર મર્યાદિત રહેશે. શહેરમાં પ્રતિદિન અંદાજે 1,650 મિલિયન લિટર (MLD) પાણીનો જથ્થો સપ્લાય થાય છે. વૈકલ્પિક વ્યવસ્થા બાદ આગામી 10 દિવસ દરમિયાન માત્ર 50 MLD જેટલી જ ઘટ રહેવાની શક્યતા છે. એટલે કે કુલ સપ્લાયમાં ખૂબ ઓછા પ્રમાણમાં ઘટાડો થશે જેને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણીની ઘટ નહીં સર્જાય.

વૈકલ્પિક સ્ત્રોતોથી વધારાનો પાણી પુરવઠો

AMC દ્વારા રાસ્કા પાણી સ્ત્રોતમાંથી વધારાનું 20 MLD પાણી મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પર આવેલા બોરવેલોને કાર્યરત કરીને પાણીની ઘટ પૂરી કરવામાં આવશે. આ પગલાંથી પાણી પુરવઠાની વ્યવસ્થા સંતુલિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને કોતરપુર વોટર વર્ક્સ ખાતે, જ્યાં સામાન્ય રીતે નર્મદા પાણી ‘બાય ગ્રેવીટી’ સિસ્ટમથી પહોંચે છે ત્યાં હવે રો-વોટર પમ્પ હાઉસના 100 ટકા સ્ટેન્ડબાય પમ્પોને કાર્યરત કરવામાં આવ્યા છે. આ ટેકનિકલ વ્યવસ્થાથી પાણીની આવક જાળવવામાં મદદ મળશે અને સપ્લાય પર પડતી અસર ઘટાડવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં પાણીનું સંકટ : 5 ઝોનમાં 10 દિવસ રહેશે પાણી કાપ, જાણો કયાં વિસ્તારમાં રહેશે પાણીની સમસ્યા

પાણી વિતરણ માટે વિશેષ મોનિટરિંગ

AMC દ્વારા સમગ્ર પાણી પુરવઠા સિસ્ટમ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. ઉપલબ્ધ જળ જથ્થા મુજબ શહેરમાં સંતુલિત રીતે પાણી વિતરણ થાય તે માટે નિયંત્રિત આયોજન કરવામાં આવ્યું છે. પાણીના દબાણ અને સમયગાળામાં થોડો ફેરફાર થઈ શકે છે પરંતુ નાગરિકોને સંપૂર્ણ પાણી કાપનો સામનો કરવો નહીં પડે. આ સાથે તંત્રએ નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. અનાવશ્યક વપરાશ ટાળવો, લીકેજને તરત જ સુધારવું અને સ્ટોરેજનું યોગ્ય સંચાલન કરવું તે જરૂરી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત : 22 દિવસ બાદ તાપમાનનો પારો 40°Cની નીચે ઉતર્યો, જાણો આગામી દિવસોની આગાહી

સમારકામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની તૈયારી

નર્મદા કેનાલમાં થયેલા ભંગાણને દૂર કરવા માટે રિપેરીંગ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અધિકારીઓનો દાવો છે કે શક્ય તેટલી ઝડપથી સમારકામ પૂર્ણ કરવામાં આવશે જેથી પાણી પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થઈ શકે.

ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની માંગ વધતી હોવાથી AMC દ્વારા કરવામાં આવેલી આ વૈકલ્પિક વ્યવસ્થા નાગરિકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. હાલ માટે શહેરમાં પાણી પુરવઠો સુચારૂ રાખવા માટે તંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now