Home Gujarat Ahmedabad Ahmedabad Re Neet Exam Security Mockdrill 2026

અમદાવાદમાં RE-NEET માટે મેગા મોકડ્રિલ : પોલીસ, ડ્રોન અને ટ્રાફિક ટીમો એક્શનમાં

પોલીસ અને વિધ્યાર્થીનીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jun 20, 2026, 08:48 AM IST

અમદાવાદ: દેશભરમાં 21 જૂન, 2026ના રોજ યોજાનારી RE-NEET પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા પૂર્વે આજે દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર મોકડ્રિલ યોજાઈ હતી, જેમાં પ્રશ્નપત્ર અને પરીક્ષા સંબંધિત સામગ્રીના પરિવહનથી લઈને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને વ્યવસ્થાના તમામ પાસાઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરમાં RE-NEET માટે કુલ 23 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં 10,400થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 77 હજાર વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે. પરીક્ષાની નિષ્પક્ષતા અને પારદર્શિતા જાળવવા માટે NTAની ગાઈડલાઈન મુજબ બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દેશભરમાં મોકડ્રિલ, સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી

પરીક્ષા પૂર્વે યોજાયેલી મોકડ્રિલ દરમિયાન પ્રશ્નપત્રો અને અન્ય પરીક્ષા સામગ્રીને કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલ, સ્ટાફની તૈનાતી, પ્રવેશ વ્યવસ્થા અને ઇમરજન્સી પ્રતિસાદ જેવી બાબતોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદના તમામ 23 કેન્દ્રો પર પણ અધિકારીઓએ મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર ચેકિંગ, ફ્રિસ્કિંગ અને પ્રવેશ વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: NEET Re-Exam પહેલાં NTAની મોટી ચૂક? : નાગપુરના વિદ્યાર્થીને અબુ ધાબીનું પરીક્ષા કેન્દ્ર ફાળવાતા હડકંપ

આ વખતે પ્રથમવાર મળશે 15 મિનિટ વધારાનો સમય

RE-NEET પરીક્ષામાં આ વખતે વિદ્યાર્થીઓને એક મહત્વપૂર્ણ રાહત આપવામાં આવી છે. અગાઉની સરખામણીએ પ્રથમવાર પરીક્ષાનો સમય 15 મિનિટ વધારવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને હવે કુલ 3 કલાક અને 15 મિનિટનો સમય મળશે. પરીક્ષા સંચાલકોના મતે આ વધારાનો સમય વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વધુ સારી રીતે ઉકેલવામાં મદદરૂપ થશે.

પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે શું ફરજિયાત?

NTA દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર કેટલીક જરૂરી દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે.

વિદ્યાર્થીઓએ RE-NEET એડમિટ કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને માન્ય ઓળખપત્ર (ID Card) સાથે રાખવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત કેન્દ્રમાં પ્રવેશ પહેલાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે.

બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે આ પ્રક્રિયાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પોલીસ અને ટ્રાફિક વિભાગ સંપૂર્ણ સજ્જ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કેન્દ્રો પર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ડીસીપી ઝોન-1 ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે તમામ કેન્દ્રો પર ઉમેદવારોની સંખ્યા અનુસાર ચેકિંગ, ફ્રિસ્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાનું આયોજન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, પોલીસ કોન્સ્ટેબલ તેમજ હથિયારી અને બિનહથિયારી દળના કર્મચારીઓને વિગતવાર બ્રીફિંગ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદની 3 મોટી શાળાઓમાં ‘ડમી કલ્ચર’નો પર્દાફાશ : ગુજરાત બોર્ડે ફટકારી શો-કોઝ નોટિસ

વાલીઓ અને વિદ્યાર્થીઓને ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે ખાસ આયોજન

પરીક્ષાના દિવસે હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીક્ષા કેન્દ્રો તરફ જવાના હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પણ એક મહત્વપૂર્ણ મુદ્દો બની રહે છે.

આને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ પાર્કિંગની વ્યવસ્થા, વાહનવ્યવહારનું નિયમન અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક મેનેજમેન્ટ માટે ખાસ ટીમો તૈનાત રહેશે.

પોલીસનો પ્રયાસ રહેશે કે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર સુધી પહોંચી શકે અને ટ્રાફિકના કારણે કોઈને મુશ્કેલી ન પડે.

ડ્રોન દ્વારા થશે સતત મોનિટરિંગ

આ વખતે અમદાવાદ શહેર પોલીસ ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવા જઈ રહી છે. ડીસીપી ડૉ. હર્ષદ પટેલના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસની સ્થિતિ અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે વિવિધ સ્થળોએ ડ્રોન મારફતે વીડિયો શૂટિંગ કરવામાં આવશે.

ડ્રોન સર્વેલન્સના કારણે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અથવા ટ્રાફિક સમસ્યા ઉભી થાય તો તાત્કાલિક પગલાં લઈ શકાશે.

મદદ અને ફરિયાદ માટે હેલ્પલાઈન જાહેર

વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે પરીક્ષા સંબંધિત કોઈપણ માહિતી, મદદ અથવા ફરિયાદ માટે NTA દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

હેલ્પલાઈન નંબર: 011-40759000

પરીક્ષા સંબંધિત કોઈપણ સમસ્યા અથવા માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં NEET રી-એક્ઝામ માટે પોલીસનો મેગા બંદોબસ્ત : 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ, 8 ડ્રોનથી રહેશે નજર

નિષ્પક્ષ પરીક્ષા માટે તમામ તંત્ર એકસાથે

NEET જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાને લઈને આ વખતે સુરક્ષા અને પારદર્શિતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. પોલીસ, ટ્રાફિક વિભાગ, પરીક્ષા સત્તાધિકારીઓ અને અન્ય સંકળાયેલી એજન્સીઓ વચ્ચે સંકલન દ્વારા સમગ્ર પ્રક્રિયાને સુચારૂ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેર પોલીસના જણાવ્યા મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલે પરીક્ષા શાંતિપૂર્ણ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now