અમદાવાદનાં કોતરપુર વોટર વર્ક્સ સુધી પાણીની આવક ઘટતાં AMCએ 10થી 15 ટકા પાણી પુરવઠો ઘટાડ્યો, પશ્ચિમ, ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ઝોનના અનેક વિસ્તારો અસરગ્રસ્ત. અમદાવાદ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે હવે પાણીનું સંકટ પણ ઊભું થયું છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા કોતરપુર વોટર વર્ક્સ સુધી પાણીની આવક ઘટી ગઈ છે. તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 10 દિવસ સુધી શહેરનાં 5 મુખ્ય ઝોનમાં પાણી પુરવઠામાં 10થી 15 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નર્મદા કેનાલ અને તેનાથી જોડાયેલી લાઈનના સમારકામનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. જોકે સંપૂર્ણ સ્થિતિ સામાન્ય થવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું થઈ શકે છે. પાણી પુરવઠામાં ઘટાડાની સીધી અસર પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના અનેક રહેણાંક વિસ્તારોમાં જોવા મળશે.
કોતરપુર વોટર વર્ક્સ પર વધ્યું દબાણ
અમદાવાદ માટે કોતરપુર વોટર વર્ક્સ શહેરના મુખ્ય જળસ્ત્રોતોમાંનું એક ગણાય છે. નર્મદાનાં પાણી પર આધારિત આ પ્લાન્ટ શહેરના લાખો નાગરિકોને પીવાનું પાણી પહોંચાડે છે. નર્મદા લાઈનમાં ભંગાણનાં કારણે કોતરપુર સુધી પાણીની આવક ઓછી થઈ રહી હોવાથી વોટર સ્ટેશનો પર પૂરતા દબાણથી પાણી ઉપલબ્ધ થઈ શકતું નથી. પરિણામે ઘણા વિસ્તારોમાં પાણીનો સમય ઓછો થવાની અથવા દબાણ ઘટવાની શક્યતા વધી છે.
ખાસ કરીને મે મહિનાની ગરમીમાં પાણીની માંગ સૌથી વધુ રહેતી હોય છે આવા સમયમાં પાણીકાપનો નિર્ણય નાગરિકો માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. એપાર્ટમેન્ટ, ગીચ વસ્તીવાળા વિસ્તાર અને ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને વધુ હાલાકી ભોગવવી પડી શકે છે. અનેક વિસ્તારોમાં લોકો પહેલેથી જ ઓછા દબાણની ફરિયાદ કરી રહ્યા છે.
કયા વિસ્તારોમાં વધુ અસર થવાની શક્યતા?
AMC દ્વારા સત્તાવાર રીતે તમામ વિસ્તારોની વિગત જાહેર કરવામાં આવી નથી પરંતુ કોતરપુર વોટર વર્ક્સ સાથે જોડાયેલા પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ઝોન ઉપરાંત પૂર્વ અને દક્ષિણ ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે. શહેરના પશ્ચિમ ભાગમાં રહેણાંક સોસાયટીઓ અને હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં પાણી સંગ્રહ માટે હવે આગોતરા તૈયારી શરૂ થઈ ગઈ છે.
પશ્ચિમ ઝોન (West Zone)
નવરંગપુરા
નારણપુરા
પાલડી
સાબરમતી
રાણીપ
ચાંદખેડા
મોટેરા
વાસણા
નવા વાડજ
સ્ટેડિયમ વોર્ડ
મધ્ય ઝોન (Central Zone)
ખાડિયા
જમાલપુર
દરિયાપુર
શાહપુર
અસારવા
શાહીબાગ
ઉત્તર ઝોન (North Zone)
નરોડા
કુબેરનગર
સૈજપુર બોઘા
સરદારનગર
બાપુનગર
ઈન્ડિયા કોલોની
ઠક્કરબાપાનગર
સરસપુર
પૂર્વ ઝોન (East Zone)
નિકોલ
વિરાટનગર
ઓઢવ
વસ્ત્રાલ
ગોમતીપુર
અમરાઈવાડી
રામોલ
હાથીજણ
ભાઈપુરા
હાટકેશ્વર
દક્ષિણ ઝોન (South Zone)
મણિનગર
ખોખરા
ઈન્દ્રપુરી
બહેરામપુરા
દાણીલીમડા
ઈસનપુર
વટવા
લાંભા
નાગરિકોને પાણી બચાવવાની અપીલ
AMCએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે અનાવશ્યક પાણીનો વપરાશ ટાળવો, સ્ટોરેજ ટાંકીમાં જરૂરી પ્રમાણમાં જ પાણી સંગ્રહવું અને લીકેજની તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. ઉનાળામાં પાણીની વધતી માંગ અને મર્યાદિત સપ્લાયને કારણે પાણી વ્યવસ્થાપન શહેર માટે મોટો પડકાર બની રહ્યો છે.
શહેરના અનેક વિસ્તારોમાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓ અને કામકાજી પરિવારોનું કહેવું છે કે 10 દિવસ સુધી અનિશ્ચિત પાણી પુરવઠો રહેતા દૈનિક જીવન પર ગંભીર અસર પડશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયગાળામાં પાણી ઓછું મળતા ઘરના નિયમિત કામો મુશ્કેલ બનશે.
આ પણ વાંચો: વડોદરામાં 'રક્ષક જ ભક્ષક' બન્યા : પોલીસકર્મીઓ પર યુવકને માર મારવાનો આક્ષેપ
સમારકામ બાદ સ્થિતિ ક્યારે સામાન્ય બનશે?
તંત્રના દાવા પ્રમાણે પાઈપલાઈન રિપેરિંગનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ નર્મદા લાઈન જેવી મુખ્ય સપ્લાય સિસ્ટમમાં થયેલા ભંગાણને સંપૂર્ણ પણે સુધારવામાં સમય લાગી શકે છે. પાણી પુરવઠો તબક્કાવાર સામાન્ય થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AMC પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી હોવાનું જણાવાયું છે.
ઉનાળાની વચ્ચે પાણી સંકટ ઊભું થતા હવે નાગરિકોની નજર AMC અને નર્મદા સંબંધિત તંત્રની કામગીરી પર ટકેલી છે. આગામી દિવસોમાં સમારકામની ગતિ અને પાણી પુરવઠાની સ્થિતિને આધારે શહેરમાં સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે.





