વડોદરા શહેરમાં પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે. શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર વિસ્તારમાં એક યુવકને પોલીસકર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. યુવકે આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદી યુવક મ્રુગ્નેશ જાદવના જણાવ્યા અનુસાર, તે દંતેશ્વર વિસ્તારમાં રહે છે અને પોતાના મિત્ર ભાવેશ વાઘેલાને મળવા માટે પ્રતાપનગર પોલીસ લાઇન ખાતે જઈ રહ્યો હતો. આ દરમિયાન રાત્રે અંદાજે 8 વાગ્યાના સમયે બેરેક પાસે ઉભેલા કેટલાક પોલીસકર્મીઓએ તેને રોકી ગાળાગાળી શરૂ કરી અને બાદમાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
‘રેપિડો ડ્રાઈવર’ હોવાની શંકાએ હુમલાનો આરોપ
મ્રુગ્નેશ જાદવે જણાવ્યું હતું કે પોલીસકર્મીઓએ તેને રેપિડો ડ્રાઈવર સમજીને બોલાવ્યો હતો. તેણે પોતે રેપિડો ડ્રાઈવર ન હોવાનું સમજાવ્યા છતાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને મારપીટ કરવામાં આવી હોવાનું તેણે કહ્યું છે.
યુવકના આક્ષેપ મુજબ, આ ઘટનામાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજયભાઈ ભરવાડ સહિત અન્ય બે પોલીસકર્મીઓ પણ સામેલ હતા. જેમાં એકનું નામ સુરેશ હોવાનું અને અન્ય એક નવા રિક્રૂટ પોલીસકર્મી હોવાનું યુવકે જણાવ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે ત્રણેય લોકોએ મળીને તેની સાથે મારપીટ કરી હતી.
વડોદરામાં નશાના સોદાગરો પર તવાઈ: આ મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રદ, 5 પ્રકારની સિરપ અને હજારો ગોળીઓનું કૌભાંડ ઝડપાયું
મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી
ઘટના બાદ મ્રુગ્નેશ જાદવે મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર મામલે લેખિત અરજી આપી છે. અરજીમાં તેણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
યુવકે મીડિયાને જણાવ્યું કે, “મારી માત્ર એટલી જ માંગ છે કે મને ન્યાય મળે.” તેણે એવો પણ દાવો કર્યો કે તેને કોઈ કારણ વિના માત્ર શંકાના આધારે રોકવામાં આવ્યો અને પછી ગાળાગાળી તથા મારપીટ કરવામાં આવી.





