Home Gujarat Surat Gau Mata Rashtramata Demand Surat Rajkot Bhavnagar Rally

ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની ઉઠી માંગ : લોહીથી લખેલા પત્રો PM અને CMને મોકલાયા, રાજ્યભરમાં યોજાઈ રેલીઓ

રેલીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 07, 2026, 07:48 AM IST

ગુજરાતમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ ફરી એકવાર તેજ બની છે. સુરત, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં ગૌભક્તો, સાધુ-સંતો અને ગૌસેવકો દ્વારા ભવ્ય રેલીઓ, પદયાત્રાઓ અને હસ્તાક્ષર અભિયાન યોજાઈ રહ્યા છે. ગૌરક્ષા અને ગૌસંવર્ધનના મુદ્દે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અને ‘ગૌ સંવર્ધન મંત્રાલય’ની રચનાની માંગ ઉઠી છે.

સુરતમાં ગૌભક્તો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મિલેનિયમ માર્કેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમિયાન બુલડોઝર અને બળદગાડા મુખ્ય આકર્ષણ બન્યા હતા. ગૌમાતાના સંરક્ષણ માટે કડક કાયદા અમલમાં મૂકવાની માંગ સાથે ગૌભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અભિયાન હેઠળ આશરે પાંચ લાખ હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.

લોહીથી લખાયેલા પત્રોથી સરકારને સંદેશ

સુરતમાં ગૌભક્તોએ પ્રતીકાત્મક વિરોધ અને ભાવનાત્મક અપીલ રૂપે પોતાના લોહીથી પત્રો લખી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. ગૌસેવકોનું કહેવું છે કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને આધ્યાત્મિક જીવનશૈલીનું કેન્દ્રબિંદુ છે, તેથી તેને રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન મળવું જોઈએ.

રેલીમાં જોડાયેલા આગેવાનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશભરમાં ગૌરક્ષા માટે અનેક વર્ષોથી ચળવળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૌભક્તોએ સરકારને આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી હતી.

રાજકોટમાં સહી ઝુંબેશ શરૂ

રાજકોટમાં પણ ગૌમાતા મુદ્દે અભિયાન તેજ બન્યું છે. શહેરના બહુમાળી ચોક ખાતે ગૌપ્રેમીઓ અને ગૌસેવકો દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા હતા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમર્થન આપ્યું હતું.

આ અભિયાનમાં ગુજરાત ગૌ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભ કથીરિયા પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ ભારતીય કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો આધારસ્તંભ છે. અભિયાન પૂર્ણ થયા બાદ મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગૌભક્તોનું માનવું છે કે ગૌસંવર્ધન માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે અલગ મંત્રાલય રચવામાં આવે તો ગૌશાળાઓ, ગૌચર જમીન અને નિરાધાર પશુઓ માટે વધુ અસરકારક નીતિઓ બનાવી શકાય.

ભાવનગરમાં ભવ્ય પદયાત્રા

ભાવનગર શહેર આજે ગૌભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે જશોનાથ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો, સામાજિક આગેવાનો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા.

પદયાત્રા દરમિયાન “ગૌમાતા રાષ્ટ્રીય માતા બનાવો” અને “ગૌરક્ષા અમારો સંકલ્પ” જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતિક છે. તેમણે સરકાર સમક્ષ ગૌરક્ષા માટે વધુ કડક કાયદા અને ગૌસંવર્ધન માટે ખાસ નીતિ ઘડવાની માંગ કરી હતી. પદયાત્રા અંતે પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી આ માંગ પહોંચાડવાની વિનંતી કરવામાં આવી હતી.

ગૌરક્ષા મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ

ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે દેશમાં રાજકીય અને સામાજિક સ્તરે ભિન્ન મતો પણ જોવા મળે છે. કેટલાક વર્ગો ગૌરક્ષાને સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થા સાથે જોડે છે, જ્યારે અન્ય વર્ગો કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિકોણથી ચર્ચાની જરૂરિયાત વ્યક્ત કરે છે. હાલ રાજ્યના વિવિધ શહેરોમાં શરૂ થયેલા આ અભિયાનને કારણે ગૌરક્ષા અને ગૌસંવર્ધનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now