વિશ્વભરમાં બાળકોમાં વધતા સોશિયલ મીડિયા ઉપયોગ, સાયબર બુલિંગ, અશ્લીલ કન્ટેન્ટ અને સ્ક્રીન એડિક્શન જેવી સમસ્યાઓને લઈને સરકારો ચિંતિત બની રહી છે. આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને હવે આ દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાના નિયમોમાં કડક ફેરફાર કર્યા છે. જોકે, આ પ્રકારનો નિર્ણય લેનાર આ પહેલો દેશ નથી. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને યુરોપના અનેક દેશો પહેલાંથી જ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે કડક નિયમો અમલમાં મૂકી ચૂક્યા છે.
કયા દેશે કેમ લીધો નિર્ણય?
આ નિર્ણય મલેશિયા દેશમાં લેવામાં આવ્યો છે. મલેશિયા સરકારનું કહેવું છે કે બાળકોને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવાનો હેતુ નથી, પરંતુ તેમને ઓનલાઈન જોખમોથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. સોશિયલ મીડિયા પર વધતી સાયબર બુલિંગ, હાનિકારક સામગ્રી અને લાંબા સમય સુધી ઓનલાઈન રહેવાની ટેવ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે.
નવા નિયમો મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર નિયંત્રણ રહેશે. જો કોઈ કંપની આ નિયમોનું પાલન નહીં કરે તો તેના પર ભારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. અહેવાલો મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે.
આ પણ વાંચો: અમેરિકાએ ઈરાન પર વરસાવ્યો કહેર : રડાર ઠેકાણા તબાહ; ભડકેલા તેહરાનનો મુંહતોડ જવાબ, કુવૈત ધ્રૂજ્યું!
ઓસ્ટ્રેલિયા બન્યું હતું પ્રથમ દેશ
બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર સૌથી કડક પગલું ભરનાર દેશોમાં Australiaનું નામ સૌથી આગળ આવે છે. ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બર 2025થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કર્યો હતો.
આ નિયમ બાદ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણયને વૈશ્વિક સ્તરે બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવ્યું હતું.
બ્રાઝિલ અને ઈન્ડોનેશિયામાં કડક વેરિફિકેશન
Brazil અને Indonesiaએ પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે મહત્વના ફેરફારો કર્યા છે. આ બંને દેશોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે કડક એજ-વેરિફિકેશન સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે યોગ્ય ઉંમરની ચકાસણી વગર કોઈ બાળક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી શકતું નથી. સરકારોનું માનવું છે કે ઉંમર ચકાસણીથી બાળકોને જોખમી કન્ટેન્ટથી બચાવી શકાય છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો : અમેરિકી હુમલા બાદ IRGCનો પલટવાર, કુવૈતમાં મિસાઈલ અને ડ્રોન હુમલાનો દાવો
યુરોપમાં પણ વધતી ચિંતા
યુરોપના અનેક દેશોમાં પણ બાળકો પર સોશિયલ મીડિયાની અસરને લઈને ગંભીર ચર્ચા ચાલી રહી છે. Franceમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધનો પ્રસ્તાવ સંસદ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. તે જ રીતે Poland પણ સપ્ટેમ્બરથી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નવા કાયદા લાવવાની તૈયારીમાં છે. આ ઉપરાંત Denmark, Spain, United Kingdom અને South Korea જેવા દેશો પણ કડક વય-ચકાસણી અને સુરક્ષા નિયમો લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
મેટાએ વ્યક્ત કરી ચિંતા
સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની Metaએ આવા પ્રતિબંધો અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીનું કહેવું છે કે જો બાળકોને મુખ્ય અને સુરક્ષિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી દૂર કરવામાં આવશે, તો તેઓ અનિયંત્રિત અને ઓછા સુરક્ષિત પ્લેટફોર્મ્સ તરફ વળી શકે છે. આવી સ્થિતિમાં ઓનલાઈન જોખમો ઘટવાના બદલે વધી શકે છે. મેટાના મતે ઉંમર આધારિત સંપૂર્ણ પ્રતિબંધ કરતાં માતા-પિતા નિયંત્રણ, ડિજિટલ શિક્ષણ અને સુરક્ષિત પ્લેટફોર્મ ડિઝાઇન વધુ અસરકારક ઉકેલ બની શકે છે.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગર પહોંચી : વનતારાની લેશે મુલાકાત
બાળકોની ઓનલાઈન સુરક્ષા હવે વૈશ્વિક મુદ્દો
ટેક્નોલોજીના વધતા પ્રભાવ વચ્ચે બાળકોનું ડિજિટલ જીવન વધુ સક્રિય બન્યું છે. જોકે તેની સાથે સાયબર બુલિંગ, ફેક કન્ટેન્ટ, ઓનલાઈન ઠગાઈ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પણ વધી રહ્યા છે. તેથી વિશ્વના અનેક દેશો હવે બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગના નિયમોને વધુ કડક બનાવી રહ્યા છે. આગામી વર્ષોમાં અન્ય દેશો પણ મલેશિયા અને ઓસ્ટ્રેલિયાના મોડલને અનુસરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ડિજિટલ સ્વતંત્રતા અને બાળકોની સુરક્ષા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે સૌથી મોટો પડકાર રહેશે.





