Home Gujarat Tiffany Trump Jamnagar Vantara Visit Gujarat Ambani Guest

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગર પહોંચી : વનતારાની લેશે મુલાકાત

ટિફનીના કાફલાની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 01, 2026, 07:12 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ આજે ગુજરાતના જામનગર ખાતે પહોંચી હતી. ખાનગી ભારત પ્રવાસના ભાગરૂપે તેઓ જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ કડક સુરક્ષા વચ્ચે કારના મોટા કાફલા સાથે સીધા વનતારા તરફ રવાના થયા હતા. ટિફની ટ્રમ્પ સાથે તેમના પતિ માઈકલ બુલોસ તેમજ કેટલાક નજીકના મિત્રો પણ પ્રવાસમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટિફની ટ્રમ્પ અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે ગુજરાત પહોંચી છે અને તેઓ જામનગર સ્થિત વનતારાની મુલાકાત લેશે. વનતારા હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહેલું વન્યજીવ સંરક્ષણ, બચાવ અને પુનર્વસન કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો અને જાણીતી હસ્તીઓ પણ મુલાકાત લઈ ચૂકી છે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે 4 દિવસની હાઈ-લેવલ મંત્રણા : રૂ.47 લાખ કરોડના વ્યાપારિક કરાર પર મહોર લાગવાની શક્યતા

ભારતના ખાનગી પ્રવાસ પર ટિફની ટ્રમ્પ

ટિફની ટ્રમ્પ હાલમાં ખાનગી પ્રવાસે ભારત આવી છે. પ્રવાસ દરમિયાન તેમણે નવી દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ આગ્રા પહોંચી તાજમહેલ નિહાળવા ગયા હતા. તાજમહેલની મુલાકાત બાદ તેઓ રાજસ્થાનના જૈસલમેર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઐતિહાસિક સોનાર કિલ્લો (જૈસલમેર ફોર્ટ) અને શહેરના અન્ય વારસાગત સ્થળોની મુલાકાત લીધી હતી.

જૈસલમેર પ્રવાસ દરમિયાન ટિફની ટ્રમ્પ અને માઈકલ બુલોસનું પરંપરાગત રાજસ્થાની સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના પ્રવાસને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

આ પણ વાંચો: યુપીના એટાહમાં મોર્નિંગ વોક પર મહિલા પર ફાયરિંગ : બાઇક સવારોએ મહિલાને મારી ગોળી, પોલીસ તપાસ શરૂ

વનતારા ફરી આંતરરાષ્ટ્રીય મહેમાનોના કેન્દ્રમાં

જામનગરનું વનતારા છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ચર્ચામાં છે. અંબાણી પરિવાર દ્વારા વિકસાવવામાં આવેલ આ વિશાળ વન્યજીવ સંરક્ષણ કેન્દ્રમાં અગાઉ અનેક ફિલ્મ સ્ટાર્સ, રમતગમત ક્ષેત્રની હસ્તીઓ અને વિદેશી મહાનુભાવો મુલાકાત લઈ ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ અગાઉ વનતારાની મુલાકાત લઈ ચૂક્યા હતા.

વનતારા હાલમાં જામનગરને વૈશ્વિક નકશા પર નવી ઓળખ અપાવી રહ્યું છે. હજારો પ્રાણીઓના બચાવ, સારવાર અને પુનર્વસન માટે વિકસાવવામાં આવેલી આ સુવિધા વિશ્વના સૌથી મોટા વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ્સમાંની એક તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો: 11મા માળે 1 કલાક સુધી લિફ્ટમાં ફસાયું દંપતી : મોબાઈલ નેટવર્ક ન મળતા બૂમાબૂમ બાદ સિક્યોરિટીએ ફાયરને બોલાવી, જાણો પછી શું થયું

જામનગર એરપોર્ટ પર ચહલપહલ

ટિફની ટ્રમ્પના આગમનને લઈને જામનગર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. એરપોર્ટથી નીકળ્યા બાદ તેમનો કાફલો સીધો વનતારા તરફ જતો જોવા મળ્યો હતો. જોકે પ્રવાસ સંપૂર્ણપણે ખાનગી હોવાનું જણાવાયું છે અને તેમના કાર્યક્રમની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ટિફની ટ્રમ્પના ગુજરાત આગમનથી જામનગર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. અંબાણી પરિવારના આમંત્રણ પર યોજાયેલા આ પ્રવાસને લઈને સ્થાનિક સ્તરે પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now