India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. દિલ્હીમાં આજથી 4 દિવસ માટે ઉચ્ચ સ્તરીય વ્યાપારિક વાટાઘાટોનો પ્રારંભ થયો છે, જેમાં બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં જે કરારનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, તેને કાનૂની જામા પહેરાવવા માટે બંને દેશોના પ્રતિનિધિમંડળો આજે આમને-સામને છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં અમેરિકી ટીમના નેતૃત્વ હેઠળ બ્રેન્ડન લિંચ અને ભારતીય પક્ષે વાણિજ્ય મંત્રાલયના મુખ્ય વાર્તાકાર દર્પણ જૈન ચર્ચાને આગળ ધપાવી રહ્યા છે. આ કરારનું લક્ષ્ય માત્ર માર્કેટ એક્સેસ જ નહીં, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન, કસ્ટમ્સ, ટ્રેડ ફેસિલિટેશન અને આર્થિક સુરક્ષા જેવા ગંભીર વિષયો પર સહમતિ સાધવાનો છે. ભારત અને અમેરિકા વચ્ચેનો આ કરાર વૈશ્વિક અર્થતંત્રમાં પણ અનેક મોટા બદલાવ લાવે તેવી શક્યતા છે.
વચગાળાના કરારને મળશે કાનૂની સ્વરૂપ
વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચાર દિવસીય બેઠકનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફેબ્રુઆરીમાં નક્કી થયેલા વચગાળાના કરારને કાયદેસરનું બંધારણીય સ્વરૂપ આપવાનો છે. અત્યાર સુધી થયેલી ચર્ચાઓને હવે કાનૂની દસ્તાવેજોમાં રૂપાંતરિત કરવામાં આવશે. વ્યાપક દ્વિપક્ષીય વ્યાપાર કરાર (BTA) તરફનું આ એક મોટું ડગલું ગણાશે, જે ભવિષ્યમાં બંને દેશો વચ્ચે વ્યાપારની નવી ક્ષિતિજો ખોલશે.
બદલાયેલા વૈશ્વિક સમીકરણો અને રી-કેલ્ક્યુલેશનની જરૂરિયાત
ફેબ્રુઆરીમાં જ્યારે આ કરારની રૂપરેખા તૈયાર થઈ હતી, ત્યારે સ્થિતિ અલગ હતી. જોકે, અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા નિર્ણયો અને વૈશ્વિક ટેરિફ નીતિઓમાં આવેલા ફેરફારને કારણે હવે આ ડીલનું ફરીથી 'રી-કેલ્ક્યુલેશન' કરવું અનિવાર્ય બન્યું છે. અગાઉ, રશિયન તેલના મુદ્દે ભારતીય માલસામાન પર લાગેલા ટેરિફમાં ઘટાડો કરવાની વાતો થઈ હતી, પરંતુ હવે અમેરિકાના નવા ટેરિફ નિયમોના અમલ બાદ વાટાઘાટોના સમીકરણો બદલાયા છે. એપ્રિલમાં વોશિંગ્ટન ખાતે થયેલી બેઠક બાદ હવે દિલ્હીમાં યોજાઈ રહેલી આ મુલાકાત નિર્ણાયક માનવામાં આવી રહી છે.
ભારત ખરીદશે ₹47 લાખ કરોડની અમેરિકન પ્રોડક્ટ્સ
આ ડીલના બદલામાં ભારતે અમેરિકા સાથે એક મોટો સોદો કર્યો છે. નિર્ધારિત માળખા મુજબ, ભારત આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી લગભગ 500 બિલિયન ડોલર એટલે કે આશરે ₹47 લાખ કરોડની કિંમતની વસ્તુઓ ખરીદશે. જેમાં મુખ્યત્વે એનર્જી પ્રોડક્ટ્સ, અત્યાધુનિક એરક્રાફ્ટ અને તેના પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોકિંગ કોલનો સમાવેશ થાય છે. તેની સામે ભારત પોતાની કૃષિ અને ઔદ્યોગિક પેદાશો, જેમ કે સોયાબીન તેલ, ફળો, નટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ માટે અમેરિકાના માર્કેટમાં ટેરિફમાં રાહત મેળવવાની અપેક્ષા રાખી રહ્યું છે.





