મધ્ય પૂર્વમાં વધતા તણાવ, ઈરાન સાથે ચાલી રહેલી કૂટનીતિક ચર્ચાઓ અને વ્યસ્ત રાજકીય કાર્યક્રમો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજી હેલ્થ રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલી ચાર પાનાની મેડિકલ રિપોર્ટ અનુસાર ટ્રમ્પની શારીરિક સ્થિતિ સંતોષજનક છે અને તેઓ પોતાના દાયિત્વો નિભાવવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. જોકે તબીબોએ તેમના વધતા વજનને લઈને ખાસ ચેતવણી આપી છે અને તાત્કાલિક જીવનશૈલીમાં સુધારા કરવાની સલાહ આપી છે.
આગામી મહિને 80 વર્ષની ઉંમર પૂર્ણ કરવા જઈ રહેલા ટ્રમ્પ અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને મધ્ય પૂર્વના સંવેદનશીલ રાજકીય માહોલ વચ્ચે તેમની તબિયત અંગે ચર્ચાઓ તેજ બની હતી. હવે જાહેર થયેલી સત્તાવાર રિપોર્ટ બાદ આ અટકળો પર વિરામ લાગ્યો છે.
હૃદય અને ફેફસાંની કામગીરી સામાન્ય
મેડિકલ રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રમ્પના ફેફસાં, નર્વસ સિસ્ટમ અને અન્ય મહત્વપૂર્ણ અંગો સારી સ્થિતિમાં છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેમની શારીરિક ક્ષમતા અને માનસિક સતર્કતા બંને સંતોષકારક છે, જે તેમને અમેરિકાના નેતા તરીકે કામગીરી ચાલુ રાખવા માટે સક્ષમ બનાવે છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રમ્પનું હૃદય પ્રતિ મિનિટ સરેરાશ 73 ધબકારા સાથે કાર્ય કરી રહ્યું છે, જે સામાન્ય શ્રેણીમાં ગણાય છે. વ્યસ્ત કાર્યક્રમો, સતત પ્રવાસો, આંતરરાષ્ટ્રીય બેઠકો અને રાજકીય દબાણ વચ્ચે હૃદયની સ્થિતિ સ્થિર હોવી સકારાત્મક સંકેત માનવામાં આવે છે તબીબી નિષ્ણાતોના મતે આ ઉંમરે હૃદય અને ફેફસાંની સામાન્ય કામગીરી વ્યક્તિની એકંદર તંદુરસ્તી માટે મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે.
આ પણ વાંચો: 'નેપાળે ભારતીય જમીન પર કર્યું છે અતિક્રમણ' : નેપાળના PM બાલેન શાહે આપ્યું નિવેદન
વધતું વજન ચિંતાનો વિષય
જોકે રિપોર્ટમાં મોટાભાગના આરોગ્ય સૂચકો સંતોષજનક હોવાનું જણાવાયું છે, પરંતુ ટ્રમ્પના વધતા વજનને લઈને ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી નેવીના કેપ્ટન અને તબીબી અધિકારી સીન બારબાબેલાના જણાવ્યા મુજબ હાલમાં ટ્રમ્પનું વજન આશરે 108 કિલોગ્રામ છે.
ગત તબીબી તપાસ દરમિયાન તેમનું વજન અંદાજે 102 કિલોગ્રામ હતું. એટલે કે છેલ્લા સમયગાળામાં લગભગ 6 કિલોગ્રામનો વધારો નોંધાયો છે. ડૉક્ટરોનું માનવું છે કે વધતું વજન ભવિષ્યમાં હૃદયરોગ, ડાયાબિટીસ અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે. આથી તેમને નિયમિત કસરત, સંતુલિત આહાર અને વજન નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે.
કોલેસ્ટ્રોલ અને બ્લડ સર્ક્યુલેશન માટે દવાઓ ચાલુ
રિપોર્ટ અનુસાર ટ્રમ્પ હાલ કોલેસ્ટ્રોલ નિયંત્રણ માટે દવાઓ લઈ રહ્યા છે. ઉપરાંત રક્તપ્રવાહને સામાન્ય રાખવા અને લોહી ગાઢ ન બને તે માટે પણ તેમને કેટલીક દવાઓ આપવામાં આવી રહી છે. તબીબોના જણાવ્યા મુજબ આ દવાઓ નિવારક સારવારનો ભાગ છે અને તેમની હાલની સ્થિતિમાં કોઈ ગંભીર જોખમ દર્શાવતી નથી. નિયમિત મોનિટરિંગ હેઠળ તેમની સારવાર ચાલુ છે.
આ પણ વાંચો: ટ્રમ્પની પુત્રી ટિફની આજે પતિ સાથે પહોંચશે જેસલમેર : સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
હાથ-પગની સૂજન અંગે ટ્રમ્પનો ખુલાસો
તાજેતરમાં સોશિયલ મીડિયા અને જાહેર કાર્યક્રમોમાં ટ્રમ્પના હાથ અને પગ પર દેખાતી સૂજન અંગે પણ ચર્ચા થઈ હતી. કેટલાક નિરીક્ષકોએ તેને ગંભીર આરોગ્ય સમસ્યાનો સંકેત ગણાવ્યો હતો. આ અંગે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને હાથમાં દેખાતા કેટલાક નિશાન વારંવાર લોકો સાથે હાથ મિલાવવાના કારણે થતી એલર્જી અને દવાઓના પ્રભાવનું પરિણામ હોઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ‘ક્રોનિક વીનસ ઇન્સફિશિયન્સી’ નામની સ્થિતિથી પીડાઈ રહ્યા છે, જેના કારણે ક્યારેક પગમાં લોહી એકત્રિત થવાથી સૂજન આવી શકે છે. જોકે ડૉક્ટરોએ પણ આ સ્થિતિને નિયંત્રિત અને ગંભીર જોખમ વિનાની ગણાવી છે.
વૈશ્વિક રાજકીય પડકારો વચ્ચે આરોગ્ય પર નજર
ટ્રમ્પની હેલ્થ રિપોર્ટ એવા સમયે જાહેર થઈ છે જ્યારે અમેરિકા મધ્ય પૂર્વના જટિલ રાજકીય અને સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે. ઈરાન સાથેની ચર્ચાઓ, પ્રાદેશિક તણાવ અને વૈશ્વિક રાજદ્વારી દબાણ વચ્ચે અમેરિકી નેતૃત્વની તંદુરસ્તી પણ ચર્ચાનો વિષય બની છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિની આરોગ્ય સ્થિતિ અંગે પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉંમર અને જવાબદારીઓના વધતા ભાર વચ્ચે જાહેર વિશ્વાસ જાળવવા માટે નિયમિત મેડિકલ અપડેટ્સ જરૂરી માનવામાં આવે છે.





