ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહે એક એવું નિવેદન આપ્યું છે, જેણે બંને દેશોના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. નેપાળની પ્રતિનિધિ સભા (સંસદ)માં પ્રશ્નોત્તરી દરમિયાન બોલતા પ્રધાનમંત્રી બાલેન શાહે દાવો કર્યો કે સરહદી વિસ્તારોમાં અતિક્રમણ માત્ર ભારત તરફથી જ થયું નથી, પરંતુ નેપાળે પણ કેટલાક ભારતીય વિસ્તારોમાં અતિક્રમણ કર્યું છે.
પ્રધાનમંત્રીનું આ નિવેદન સામે આવતા નેપાળની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પક્ષોએ આ નિવેદનને ગંભીર ગણાવી સરકાર પાસેથી તાત્કાલિક સ્પષ્ટતા અને પુરાવાની માંગણી કરી છે. બીજી તરફ, વિશ્લેષકો આ નિવેદનને ભારત-નેપાળ સંબંધોમાં નવા રાજકીય સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.
સંસદમાં શું કહ્યું બાલેન શાહે?
સંસદના પ્રશ્નકાળ દરમિયાન સાંસદોના સવાલોના જવાબ આપતાં બાલેન શાહે કહ્યું કે સરહદ વિવાદને માત્ર એકતરફી રીતે જોવું યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ, સરહદી વિસ્તારોમાં થયેલા અતિક્રમણના મુદ્દે બંને દેશોની જવાબદારી છે. તેમણે કહ્યું, 'આ વાત સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. મને પણ આ બાબતની જાણકારી તાજેતરમાં જ મળી છે. માત્ર ભારતે જ નહીં, પરંતુ નેપાળે પણ ભારતીય જમીન પર અતિક્રમણ કર્યું છે.'
જોકે, તેમણે સંસદમાં એ વિસ્તારોના નામ અથવા ચોક્કસ વિગતો જાહેર કરી નહોતી જ્યાં નેપાળ દ્વારા કથિત રીતે અતિક્રમણ થયું હોવાનું તેઓ કહી રહ્યા હતા. આ મુદ્દે તેમણે વધુમાં ઉમેર્યું કે બંને દેશોએ રાજદ્વારી ચર્ચા દ્વારા તમામ વિવાદોનો ઉકેલ લાવવો જોઈએ.
'ટેબલ ટોક' દ્વારા ઉકેલ લાવવાની વાત
પ્રધાનમંત્રી બાલેન શાહે સ્પષ્ટ કર્યું કે સરહદ જેવા સંવેદનશીલ મુદ્દાઓનો ઉકેલ ટકરાવ દ્વારા નહીં પરંતુ સંવાદ દ્વારા શોધવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત અને નેપાળ બંને દેશોએ એકસાથે બેસીને ચર્ચા કરવી જોઈએ અને રાજદ્વારી માર્ગે તમામ સરહદી વિવાદોનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. તેમણે જણાવ્યું કે આ પ્રકારના મુદ્દાઓને વધુ જટિલ બનાવવાને બદલે બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગના માધ્યમથી આગળ વધવું જરૂરી છે. બાલેન શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે સરહદ સંબંધિત મુદ્દાઓ સમયાંતરે ચર્ચાનો વિષય બનતા રહ્યા છે.
આ પણ વાંચો: ટ્રમ્પની પુત્રી ટિફની આજે પતિ સાથે પહોંચશે જેસલમેર : સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
લિપુલેખ અને લિમ્પિયાધુરા મુદ્દાનો કર્યો ઉલ્લેખ
સંસદમાં બોલતાં બાલેન શાહે લાંબા સમયથી ચર્ચામાં રહેલા લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિસ્તારોને લઈને નેપાળ સરકારે ભારતને રાજદ્વારી નોટ મોકલી હતી અને નવી દિલ્હી તરફથી તેના જવાબો પણ પ્રાપ્ત થયા છે.
લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારને લઈને ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી મતભેદ છે. નેપાળ આ વિસ્તારોને પોતાના નકશાનો ભાગ ગણાવે છે, જ્યારે ભારત તેને પોતાના વહીવટી નિયંત્રણ હેઠળનો વિસ્તાર માને છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે સમયાંતરે રાજદ્વારી સ્તરે ચર્ચાઓ થતી રહી છે.
આ પણ વાંચો: 150 વર્ષ જીવવા માંગે છે પુતિન : 2500 કરોડનો કર્યો ખર્ચ, જાણો શું છે રશિયન વૈજ્ઞાનિકોનું મિશન?
નિવેદન બાદ વિપક્ષનો ભારે વિરોધ
પ્રધાનમંત્રીના આ નિવેદન બાદ નેપાળની સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો. મુખ્ય વિપક્ષી પક્ષ નેપાલી કોંગ્રેસે બાલેન શાહના નિવેદન પર કડક વાંધો ઉઠાવ્યો છે. નેપાલી કોંગ્રેસના મુખ્ય ચીફ વ્હીપે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી દ્વારા આવા સંવેદનશીલ મુદ્દે કોઈપણ પુરાવા વગર નિવેદન આપવું યોગ્ય નથી. તેમણે સરકારને પડકાર આપ્યો છે કે જો ખરેખર નેપાળે ભારતીય જમીન પર અતિક્રમણ કર્યું હોય તો તેના પુરાવા સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે. વિપક્ષનું કહેવું છે કે જો સરકાર આ દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તો આ નિવેદનને સંસદીય રેકોર્ડમાંથી દૂર કરવામાં આવવું જોઈએ.
કૈલાશ માનસરોવર યાત્રા મુદ્દે પણ વધ્યો હતો તણાવ
તાજેતરમાં ભારત સરકારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ નેપાળે વાંધો વ્યક્ત કર્યો હતો. નેપાળ સરકારનું કહેવું હતું કે યાત્રા માટે ઉપયોગમાં લેવાતો લિપુલેખ વિસ્તાર તેના દાવા હેઠળનો પ્રદેશ છે. આ મુદ્દાને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે થોડી તંગદિલી જોવા મળી હતી. જોકે, બંને દેશોએ જાહેરમાં હંમેશા સંવાદ દ્વારા વિવાદોના ઉકેલ પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો: 'હીટવેવથી બાળકો અને વૃદ્ધોને બચાવો : PM મોદીએ 'મન કી બાત'માં ગરમીથી લઈને ખેડૂતો સુધીના મુદ્દાઓ પર કરી વાત
દિલ્હી પ્રવાસ પર રહેશે સૌની નજર
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP)ના અધ્યક્ષ રવિ લામિછાને 1થી 5 જૂન દરમિયાન પાંચ દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે તેવી માહિતી સામે આવી છે.
બાલેન શાહના વડાપ્રધાન બન્યા બાદ આ મુલાકાતને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સરહદ વિવાદ, વેપાર, કનેક્ટિવિટી અને દ્વિપક્ષીય સંબંધો જેવા મુદ્દાઓ પર આ મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે છે.
ભારત-નેપાળ સંબંધો માટે શું સંકેત?
ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે ગાઢ સંબંધો રહ્યા છે. જોકે, સરહદી મુદ્દાઓને લઈને સમયાંતરે મતભેદો પણ સામે આવતા રહ્યા છે. બાલેન શાહનું તાજેતરનું નિવેદન આ ચર્ચાને ફરી કેન્દ્રસ્થાને લાવનારું સાબિત થયું છે.
હવે સૌની નજર એ બાબત પર છે કે નેપાળ સરકાર પોતાના દાવા અંગે વધુ સ્પષ્ટતા કરે છે કે નહીં અને બંને દેશો આ મુદ્દે રાજદ્વારી સ્તરે કેવી રીતે આગળ વધે છે. સરહદ વિવાદનો શાંતિપૂર્ણ અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ બંને દેશોના લાંબા ગાળાના હિતમાં માનવામાં આવે છે.





