Strait of Hormuz : વિશ્વના સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ વકર્યો છે. આંતરરાષ્ટ્રીય જળસીમા ગણાતા આ માર્ગ પરથી પસાર થતાં વેપારી જહાજો પાસેથી કાયમી ધોરણે ટ્રાન્ઝિટ ફી એટલે કે ટોલ વસૂલવાના ઈરાનના પ્રસ્તાવનો કતારે સખત વિરોધ કર્યો છે. સિંગાપોરમાં યોજાયેલી એક હાઇ-લેવલ એશિયન સંરક્ષણ પરિષદમાં કતારે આ અંગે પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. આ વિવાદને કારણે આગામી દિવસોમાં ખાડી દેશો વચ્ચે રાજદ્વારી અને આર્થિક તણાવ વધુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
વિરોધનું મુખ્ય કારણ
સિંગાપોરમાં આયોજિત શાંગરી-લા ડાયલોગ કોન્ફરન્સ દરમિયાન કતારના નાયબ વડા પ્રધાન અને વિદેશ રાજ્યમંત્રી શેખ સઉદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ આ મુદ્દે ખુલ્લીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, કતાર અને ગલ્ફ ક્ષેત્રના અન્ય ભાગીદાર દેશો કોઈપણ પ્રકારની કાયમી ફી લાદવાના પક્ષમાં નથી. કતારનું માનવું છે કે જો જહાજો પર કાયમી ધોરણે આવી મોટી ફી લાદવામાં આવશે, તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખૂબ વધી જશે. આ વધારાનો આર્થિક બોજ છેવટે કંપનીઓ સામાન્ય ગ્રાહકો પર જ નાખશે, જેના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી આસમાને પહોંચી શકે છે.
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સંકટ: ભારતના 13 જહાજો હજુ ફસાયેલા, સરકારની 'સિક્રેટ' રણનીતિથી બચાવ કામગીરી
કામચલાઉ ટોલ માટે કતાર તૈયાર
કતારે કાયમી ફીનો વિરોધ કરવાની સાથે-સાથે આ વિવાદનો ઉકેલ લાવવા માટે એક વચગાળાનો રસ્તો પણ સૂચવ્યો છે. કતારના મંત્રીના જણાવ્યા મુજબ, જો આ ફીનો ઉપયોગ કાયમી કમાણી માટે નહીં, પરંતુ સમુદ્રમાં બિછાવેલી ખતરનાક બારૂદી સુસંગો એટલે કે દરિયાઈ ખાણો (Marine Mines) દૂર કરવા માટે થાય, તો તેના પર વિચાર થઈ શકે છે. આ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જેવા ચોક્કસ કામો માટે જો ટૂંકા ગાળા માટે કોઈ ટેક્સ વસૂલવામાં આવે, તો તેના પર વાતચીત કરવા કતાર તૈયાર છે જેથી આ આંતરરાષ્ટ્રીય માર્ગ પર જહાજોની અવરજવર ફરી સામાન્ય થઈ શકે.
વૈશ્વિક દેશોનું વલણ અને કટોકટી
હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ માત્ર ખાડી દેશો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની વૈશ્વિક અસરો છે. અમેરિકા, યુરોપના દેશો અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) જેવા પ્રભાવશાળી દેશોએ પણ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે કોઈપણ પ્રકારનો નવો ટોલ ટેક્સ આપવાનો વિચાર સદંતર ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને આ આખો દરિયાઈ માર્ગ બંધ કરી દીધો હતો. દુનિયાનો ત્રીજા ભાગનો ક્રૂડ ઓઈલ સપ્લાય આ માર્ગેથી થતો હોવાથી હાલમાં વિશ્વભરમાં મોટો ઉર્જા સંકટ ઊભો થયો છે.
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત સતર્ક: મોદી સરકારે તેલ કંપનીઓને આપ્યો આ આદેશ
કતાર માટે સંતુલન જાળવવાનો પડકાર
આ સમગ્ર વિવાદમાં કતાર અત્યારે ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાં મુકાયું છે. અમેરિકા પર દબાણ લાવવા માટે ઈરાને આ વિસ્તારમાં અમેરિકાના સાથી દેશો પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે, જેની સીધી અસર કતાર પર પણ પડી છે. આવી સ્થિતિમાં કતાર એક તરફ ઈરાન જેવા શક્તિશાળી પાડોશી દેશ સાથે સીધા સંબંધો બગાડવા નથી માંગતું અને બીજી તરફ પોતાની આર્થિક તેમજ ભૌગોલિક સુરક્ષા પણ ઈચ્છે છે. હાલમાં કતાર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના દેશો સાથે મળીને ઈરાનની આ મનમાની સામે એક સમાન અને મજબૂત વ્યુહરચના બનાવવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે.





