Home International Hormuz Crisis India 13 Ships Stuck Iran Us War Secret Plan

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સંકટ : ભારતના 13 જહાજો હજુ ફસાયેલા, સરકારની 'સિક્રેટ' રણનીતિથી બચાવ કામગીરી

Iran-US conflict Indian ships
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 05:45 AM IST

Iran-US conflict: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને પગલે વિશ્વનો સૌથી સંવેદનશીલ ગણાતો દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' અત્યારે ભારે જોખમી બની ગયો છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ બાદ જોકે 9 એપ્રિલે સીઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું, તેમ છતાં આ વ્યૂહાત્મક માર્ગ પર જહાજોની અવરજવર હજુ પણ મોટાભાગે ઠપ છે. વિશ્વનો અંદાજે 20% ઓઇલ અને નેચરલ ગેસનો પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, ત્યારે આ વિસ્તારમાં ભારતના 13 જહાજો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કટોકટીના સમયે ભારત સરકાર પોતાના જહાજોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે એક ખાસ 'સિક્રેટ પ્લાન' પર કામ કરી રહી છે.

શિપિંગ ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માના જણાવ્યા અનુસાર, ફસાયેલા ભારતીય જહાજોમાં 1 LPG ટેન્કર, 5 ક્રૂડ ઓઇલના ટેન્કર, 1 કેમિકલ ટેન્કર, 3 કન્ટેનર જહાજ, 2 બલ્ક કેરિયર અને 1 ડ્રેજરનો સમાવેશ થાય છે. ભારત સરકાર આ તમામ જહાજોને કોઈપણ નુકસાન પહોંચ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

સરકારનો 'સિક્રેટ પ્લાન' અને વિદેશ મંત્રાલયની ભૂમિકા

જ્યારે આ મામલે અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ઈરાન સાથે કેવી રીતે તાલમેલ સાધવામાં આવી રહ્યો છે, ત્યારે સુરક્ષાના કારણોસર સરકારે સમગ્ર પ્રક્રિયા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર ઓપરેશન વિદેશ મંત્રાલય (MEA) દ્વારા અત્યંત ગુપ્ત રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યું છે. સરકારની આ સફળ વ્યૂહનીતિની અસર હવે જમીની સ્તરે પણ જોવા મળી રહી છે. તાજેતરમાં 2,70,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવી રહેલું ભારતીય ટેન્કર 'નિસોસ કેરોસ' સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ગયું છે, જે 3 જૂન, 2026 સુધીમાં વિશાખાપટ્ટનમ પહોંચશે. વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 14 ભારતીય જહાજો હોર્મુઝ પાર કરીને ભારત પહોંચી ચૂક્યા છે, જ્યારે 11 જહાજો હજુ ફારસની ખાડી (પર્સિયન ગલ્ફ) વિસ્તારમાં છે.

આ પણ વાંચો: અમેરિકાના વર્જિનિયામાં કાળજું કંપાવતો અકસ્માત: હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનોને કચડ્યા, 5 લોકોના મોત; 34 ઘાયલ

જોખમ છતાં ભારતનો દરિયાઈ વેપાર અવિરત

ઈરાને આ રૂટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરતા, વિશ્વની ઘણી મોટી શિપિંગ કંપનીઓએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. તેમ છતાં, ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે આ જોખમી માર્ગે વેપાર ચાલુ રાખ્યો છે. અત્યાર સુધી ભારે તણાવ વચ્ચે પણ 'શિવાલિક', 'નંદા દેવી', 'જગ લાડકી', 'પાઇન ગેસ', 'જગ વસંત', 'બીડબલ્યુ ટાયર', 'બીડબલ્યુ એલ્મ' અને 'ગ્રીન સાન્વી' જેવા જહાજોએ આ ખતરનાક દરિયાઈ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો છે.

શિપ ટ્રેકિંગ ડેટા અને સુરક્ષાના સવાલો

જાહેર શિપ ટ્રેકિંગ ડેટાના કારણે જહાજોની સુરક્ષા જોખમાવા અંગેના સવાલ પર સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ તમામ કોમર્શિયલ એપ્સ છે. આ ડેટાનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે તે સામેવાળાની દાનત પર નિર્ભર છે, પરંતુ હાલના તબક્કે આ જ ડેટા ભારત સરકારને પોતાના જહાજોને ટ્રેક કરવામાં અને તેમને સુરક્ષિત માર્ગ શોધવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now