Home International Us Virginia I 95 Bus Crash 5 Live Lost 34 Injured

અમેરિકાના વર્જિનિયામાં કાળજું કંપાવતો અકસ્માત : હાઈવે પર બેકાબૂ બસે 6 વાહનોને કચડ્યા, 5 લોકોના મોત; 34 ઘાયલ

Virginia Bus Crash
Image Credit: @america
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 03:52 AM IST

વર્જિનિયા: અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સ્ટેફોર્ડ કાઉન્ટીમાં આવેલા વ્યસ્ત ઇન્ટરસ્ટેટ-95 (I-95) હાઇવે પર સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. કામચલાઉ ટ્રાફિક વર્ક ઝોન પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં એક બેકાબૂ બસે આગળ જઈ રહેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં 5 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 34થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, આ અકસ્માત શુક્રવારે સવારે સાઉથબાઉન્ડ I-95 હાઇવે પર થયો હતો. રસ્તા પર ચાલી રહેલા સમારકામને કારણે ટ્રાફિકની ગતિ ધીમી હતી, પરંતુ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસના ચાલકે પરિસ્થિતિનો અંદાજ મેળવવામાં નિષ્ફળતા મેળવતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વર્ક ઝોન પાસે બની ઘટના: શું હતી પરિસ્થિતિ?

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સ્થળે હાઇવે પર સમારકામ ચાલી રહ્યું હતું, જેના કારણે વાહનોની અવરજવર માટે 'વર્ક ઝોન' બનાવવામાં આવ્યો હતો અને ટ્રાફિકની ગતિ ખૂબ જ ધીમી હતી. બસનો ડ્રાઇવર આગળ રહેલા વાહનોને સમયસર જોઈ શક્યો ન હતો અથવા તો બ્રેક મારવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, બસ બેકાબૂ બનીને આગળ જઈ રહેલી એક પછી એક કુલ છ કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારોનો કુરચો બોલી ગયો હતો, જેના કારણે અંદર સવાર મુસાફરો ફસાઈ ગયા હતા.

તમામ મૃતકો ગાડીઓમાં સવાર હતા, ડ્રાઇવર સામે કડક કાર્યવાહી

આ કરૂણ અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચેય લોકો બસની ટક્કરનો ભોગ બનેલી નાની કારોમાં સવાર હતા. ઘટના બાદ બસનો ડ્રાઇવર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તાત્કાલિક અસરથી ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર સામે ગંભીર ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તપાસના આધારે આગળના કડક પગલાં લેવામાં આવશે.

હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ

અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની 'મેરી વોશિંગ્ટન હેલ્થકેર' હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ 19 લોકોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી સાત લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. હાલમાં ત્રણ લોકોની હાલત નાજુક છે અને તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અન્ય ઘાયલોને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: UNમાં ભારતનું ગૌરવ વધ્યું: મેજર અભિલાષા બરાકને આંતરરાષ્ટ્રીય સન્માન, બે શહીદ જવાનોને મરણોત્તર મેડલ

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા તપાસના આદેશ

આ ભયાનક ઘટનાની ગંભીરતાને જોતા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે. NTSB ની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. અકસ્માતના થોડા કલાકો બાદ હાઇવેની સાઉથબાઉન્ડ લેન ફરી ખોલી દેવામાં આવી હતી, પરંતુ તપાસ અને કાટમાળ હટાવવાની પ્રક્રિયાના કારણે લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now