દુનિયામાં અનેક પ્રકારની કેરીઓ મળે છે, પરંતુ કેટલીક એવી પણ હોય છે જે માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ પોતાની કિંમત અને વિશિષ્ટતાના કારણે ચર્ચામાં રહે છે. જાપાનની મિયાઝાકી કેરી એવી જ એક અનોખી અને દુર્લભ કેરી છે, જેને વિશ્વના સૌથી મોંઘા ફળોમાં સ્થાન મળ્યું છે. તેની એક જોડી માટે લાખો રૂપિયાની બોલી લાગતી હોવાના અહેવાલો સામે આવતા રહે છે.
મિયાઝાકી કેરી માત્ર એક ફળ નથી, પરંતુ જાપાનની ઉચ્ચ ગુણવત્તાવાળી કૃષિ અને તકનીકી ખેતીનું પ્રતીક માનવામાં આવે છે. તેની ચમકદાર લાલ છાલ, મીઠો સ્વાદ અને નિયંત્રિત પરિસ્થિતિમાં થતી ખેતી તેને અન્ય તમામ કેરીઓથી અલગ ઓળખ આપે છે.
શું છે મિયાઝાકી કેરી?
મિયાઝાકી કેરીનું નામ જાપાનના દક્ષિણ ભાગમાં આવેલા મિયાઝાકી પ્રિફેક્ચર પરથી પડ્યું છે, જ્યાં તેનું મુખ્ય ઉત્પાદન થાય છે. જાપાનમાં આ કેરીને ‘તાઈયો નો તમાગો’ એટલે કે ‘સૂર્યનું ઈંડું’ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ કેરી તેની ગોળાકાર આકૃતિ, આકર્ષક દેખાવ અને ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતી છે. વિશ્વભરના ફળપ્રેમીઓ અને પ્રીમિયમ બજારમાં તેની ભારે માંગ રહે છે.
લાલ રંગ જ બનાવે છે સૌથી અલગ
સામાન્ય રીતે બજારમાં મળતી કેરીઓ પીળા, લીલા કે કેસરી રંગની હોય છે, પરંતુ મિયાઝાકી કેરીનો ગાઢ લાલ રંગ તેને વિશેષ બનાવે છે. તેની ચમકદાર સપાટી અને એકસરખો રંગ દૂરથી જ તેનું પ્રીમિયમ સ્થાન દર્શાવે છે. ફળ નિષ્ણાતોના મતે, આ રંગ માત્ર તેની સુંદરતા જ વધારતો નથી પરંતુ તેની ગુણવત્તાનો પણ સંકેત માનવામાં આવે છે. ઘણા લોકો તેને કિંમતી રત્ન સાથે સરખાવે છે.
આ પણ વાંચો: 'નેપાળે ભારતીય જમીન પર કર્યું છે અતિક્રમણ' : નેપાળના PM બાલેન શાહે આપ્યું નિવેદન
સ્વાદમાં પણ છે અનોખી
મિયાઝાકી કેરીનું ગૂદું સોનેરી રંગનું, અત્યંત નરમ અને લગભગ રેશા વિનાનું હોય છે. તેમાં કુદરતી શર્કરાનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. પ્રીમિયમ શ્રેણીમાં આવવા માટે તેમાં ઓછામાં ઓછું 15 ટકા નેચરલ શુગર હોવી જરૂરી માનવામાં આવે છે. તેની મીઠાશ, રસાળપણું અને સુગંધ તેને વિશ્વની શ્રેષ્ઠ કેરીઓમાં સ્થાન અપાવે છે. ઘણા ફળ નિષ્ણાતો તેને 'લક્ઝરી ડેઝર્ટ ફ્રૂટ' તરીકે વર્ણવે છે.
ગ્રીનહાઉસમાં થાય છે ખાસ ખેતી
મિયાઝાકી કેરીની ખેતી સામાન્ય બગીચાઓમાં થતી નથી. તેના માટે વિશેષ ગ્રીનહાઉસ અને નિયંત્રિત વાતાવરણની જરૂર પડે છે. ખેડૂતો તાપમાન, ભેજ, પ્રકાશ અને પોષણનું અત્યંત ચોકસાઈથી સંચાલન કરે છે. દરેક કેરીને ઝાડ પર જાળીમાં સુરક્ષિત રાખવામાં આવે છે જેથી તે જમીન પર પડતી વખતે નુકસાન ન થાય અને તેની ગુણવત્તા જળવાઈ રહે. આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ અને મહેનતભરી હોવાથી તેની કિંમત પણ ઊંચી રહે છે.
આ પણ વાંચો: ટ્રમ્પની પુત્રી ટિફની આજે પતિ સાથે પહોંચશે જેસલમેર : સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
દરેક કેરીને મળતું નથી 'તાઈયો નો તમાગો'નું સ્થાન
મિયાઝાકી કેરીની તમામ ઉપજને પ્રીમિયમ શ્રેણી મળતી નથી. ‘તાઈયો નો તમાગો’નો દરજ્જો મેળવવા માટે ફળે અનેક કડક માપદંડો પૂર્ણ કરવા પડે છે. કેરીનું વજન ઓછામાં ઓછું 350 ગ્રામથી વધુ હોવું જોઈએ, તેનો રંગ સંપૂર્ણ એકસરખો હોવો જોઈએ અને તેના પર કોઈપણ પ્રકારના ડાઘ કે ખામી ન હોવી જોઈએ. આ તમામ માપદંડો પૂર્ણ કર્યા પછી જ તેને પ્રીમિયમ ગ્રેડ આપવામાં આવે છે.
લાખોમાં થાય છે હરાજી
જાપાનમાં દર વર્ષે યોજાતી પ્રીમિયમ ફળોની હરાજીમાં મિયાઝાકી કેરી સૌથી વધુ ધ્યાન આકર્ષે છે. મીડિયા અહેવાલો અનુસાર, તેની એક જોડી માટે લગભગ 6 લાખ જાપાની યેન સુધીની બોલી લાગી ચૂકી છે. ભારતીય ચલણ પ્રમાણે આ કિંમત અંદાજે 3 લાખથી 3.5 લાખ રૂપિયા જેટલી થાય છે. કેટલીક વિશેષ હરાજીઓમાં તેની કિંમત આથી પણ વધુ નોંધાઈ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: OSM વિવાદમાં CBSEનો મોટો યુ-ટર્ન : પહેલાં ખામીઓ નકારી, હવે સુરક્ષા ત્રુટિઓ હોવાનો કર્યો સ્વીકાર
ભારતમાં પણ વધી રહ્યું છે ઉત્પાદન
તાજેતરના વર્ષોમાં ભારતના કેટલાક પ્રગતિશીલ ખેડૂતો પણ મિયાઝાકી કેરીની ખેતી તરફ આકર્ષાયા છે. મધ્ય પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને અન્ય કેટલાક રાજ્યોમાં તેના સફળ ઉત્પાદનના અહેવાલો સામે આવ્યા છે. જો કે તેની ખેતી સરળ નથી. વિશેષ વાતાવરણ, સતત દેખરેખ અને ઊંચા રોકાણની જરૂરિયાત હોવાથી દરેક ખેડૂત માટે આ ખેતી શક્ય બનતી નથી.
સુરક્ષા પણ બની પડકાર
મિયાઝાકી કેરીની ઊંચી કિંમતને કારણે તેની ચોરીનું જોખમ પણ રહે છે. કેટલાક ખેડૂતો પોતાના બગીચાઓમાં સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને વિશેષ દેખરેખની વ્યવસ્થા કરે છે. તાજેતરમાં ઓડિશાના એક ખેડૂતે જણાવ્યું હતું કે તે પોતાના મિયાઝાકી કેરીના ઝાડોની રાત્રે પણ દેખરેખ રાખે છે, કારણ કે એક ફળની કિંમત સામાન્ય કેરીની તુલનામાં અનેકગણી વધારે હોય છે.
વૈશ્વિક બજારમાં વધતી માંગ
આજના સમયમાં મિયાઝાકી કેરી માત્ર જાપાન પૂરતી મર્યાદિત રહી નથી. એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વના અનેક દેશોમાં તેની માંગ વધી રહી છે. ઉચ્ચ આવક ધરાવતા ગ્રાહકો અને લક્ઝરી ફૂડ માર્કેટમાં તેને વિશેષ સ્થાન મળ્યું છે. તેની દુર્લભતા, ગુણવત્તા અને પ્રતિષ્ઠાના કારણે મિયાઝાકી કેરી આજે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફળોમાં ગણાય છે. જાપાનની આ અનોખી કેરીએ સાબિત કર્યું છે કે ગુણવત્તા અને વિશેષતા હોય તો એક ફળ પણ લાખોની કિંમત મેળવી શકે છે.





