કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) તેના ઓનલાઈન મૂલ્યાંકન તંત્ર ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદમાં ઘેરાયેલું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટેક્નિકલ નિષ્ણાતો દ્વારા સિસ્ટમમાં ગંભીર સુરક્ષા ખામીઓ અને મૂલ્યાંકન સંબંધિત ગેરરીતિઓના આક્ષેપો કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં CBSEએ આ તમામ દાવાઓને ફગાવી દીધા હતા અને કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી કે ડેટા સુરક્ષા જોખમ હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે હવે બોર્ડે પોતાના અગાઉના વલણથી યુ-ટર્ન લેતાં સ્વીકાર્યું છે કે OSM સિસ્ટમમાં ખરેખર કેટલીક ટેક્નિકલ અને સુરક્ષા સંબંધિત ખામીઓ હતી.
CBSE દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે બોર્ડના સેવા પ્રદાતા દ્વારા સંચાલિત ‘OnMark’ પોર્ટલમાં કેટલીક એવી ખામીઓ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોમાં ચિંતા ઊભી થઈ હતી. બોર્ડે કહ્યું છે કે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને સિસ્ટમને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
શરૂઆતમાં નકારી કાઢ્યા હતા તમામ આક્ષેપ
OSM સિસ્ટમ સામે પ્રશ્નો ત્યારે ઊભા થયા જ્યારે 12મા ધોરણની ઉત્તરવહીઓના ઓનલાઈન મૂલ્યાંકન બાદ અનેક વિદ્યાર્થીઓએ પરિણામોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ લોગિન સમસ્યાઓ, માર્કિંગમાં ગેરસમજ, મૂલ્યાંકન પ્રક્રિયામાં ખામીઓ અને ડેટા સુરક્ષાને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી.
તે સમયે CBSEએ આ તમામ મુદ્દાઓને અફવા ગણાવીને નકારી કાઢ્યા હતા. બોર્ડનું કહેવું હતું કે સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈ પ્રકારની ટેક્નિકલ ખામી નથી. જોકે બાદમાં વધતા દબાણ, ટેક્નિકલ વિશ્લેષણો અને અનેક ફરિયાદો સામે આવતાં બોર્ડને પોતાની સ્થિતિમાં ફેરફાર કરવો પડ્યો હતો.
IIT નિષ્ણાતોની મદદથી સુધારાઈ સિસ્ટમ
CBSEએ હવે ખુલાસો કર્યો છે કે OSM સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે દેશની અગ્રણી ટેક્નિકલ સંસ્થાઓની મદદ લેવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, IIT કાનપુર અને IIT મદ્રાસના સાયબર સુરક્ષા અને કમ્પ્યુટર સિસ્ટમ નિષ્ણાતોની વિશેષ ટીમને આ કામગીરી સોંપવામાં આવી હતી.
આ નિષ્ણાતોએ સંબંધિત સરકારી એજન્સીઓ સાથે મળીને છેલ્લા કેટલાક દિવસોથી પોર્ટલનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન સામે આવેલી ખામીઓને દૂર કરવા માટે જરૂરી ટેક્નિકલ સુધારાઓ કરવામાં આવ્યા છે. CBSEનો દાવો છે કે હવે સિસ્ટમ વધુ મજબૂત અને સુરક્ષિત બની ગઈ છે.
પ્રથમ વખત મોટા પાયે અપનાવવામાં આવી હતી OSM પદ્ધતિ
આ વર્ષે CBSEએ પ્રથમ વખત ધોરણ 12ની આશરે 98 લાખ ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઓનલાઈન ઓન-સ્ક્રીન માર્કિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બોર્ડનો ઉદ્દેશ્ય મૂલ્યાંકન પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો હતો.
પરંતુ પરિણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓએ માર્કિંગની પદ્ધતિ અને સિસ્ટમની કાર્યક્ષમતાને લઈને સવાલો ઊભા કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેમની ઉત્તરવહીઓનું યોગ્ય મૂલ્યાંકન થયું નથી, જ્યારે કેટલાકે ટેક્નિકલ સમસ્યાઓને કારણે માહિતી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: 'હીટવેવથી બાળકો અને વૃદ્ધોને બચાવો : PM મોદીએ 'મન કી બાત'માં ગરમીથી લઈને ખેડૂતો સુધીના મુદ્દાઓ પર કરી વાત
શિક્ષણ મંત્રાલયની પણ નજર
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળે છે. શિક્ષણ ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપતી સરકાર માટે આ મુદ્દો મહત્વનો બની ગયો હતો, કારણ કે OSM જેવી સિસ્ટમો ભવિષ્યની પરીક્ષા અને મૂલ્યાંકન પ્રક્રિયાનો આધાર બની શકે છે. તેથી સિસ્ટમમાં રહેલી ખામીઓ ઝડપથી દૂર કરવામાં આવે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ઉચ્ચ સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
એથિકલ હેકર્સ અને નાગરિકોનો આભાર વ્યક્ત
CBSEએ પોતાના નિવેદનમાં એથિકલ હેકર્સ, ટેક્નિકલ નિષ્ણાતો અને જાગૃત નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. બોર્ડે સ્વીકાર્યું કે જેમણે જવાબદારીપૂર્વક ખામીઓ તરફ ધ્યાન દોર્યું, તેમના કારણે સમસ્યાઓ સમયસર ઓળખી શકાયી અને તેનું નિરાકરણ શક્ય બન્યું. સાયબર સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ ડિજિટલ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્કલંક હોતી નથી. મહત્વનું એ છે કે ખામીઓ સામે આવે ત્યારે સંસ્થાઓ તેને સ્વીકારીને પારદર્શક રીતે સુધારાની પ્રક્રિયા હાથ ધરે.
આ પણ વાંચો: દેશને મળ્યા નવા CDS : એન.એસ. રાજા સુબ્રમણિએ સંભાળ્યો કાર્યભાર
ડિજિટલ શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ જાળવવાનો પડકાર
CBSEનો આ સ્વીકાર માત્ર એક ટેક્નિકલ મુદ્દો નથી, પરંતુ ભારતની ઝડપથી ડિજિટલ બની રહેલી શિક્ષણ વ્યવસ્થા માટે પણ મહત્વપૂર્ણ સંદેશ છે. ઓનલાઈન મૂલ્યાંકન અને ડિજિટલ પરીક્ષા પ્રણાલીઓનો વ્યાપ વધતો જઈ રહ્યો છે ત્યારે સુરક્ષા, પારદર્શિતા અને વિશ્વસનીયતા સૌથી મોટા મુદ્દા બની રહ્યા છે.
CBSE માટે હવે સૌથી મોટો પડકાર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો વિશ્વાસ ફરી મજબૂત કરવાનો રહેશે. બોર્ડે ભલે ખામીઓ સુધાર્યાનો દાવો કર્યો હોય, પરંતુ ભવિષ્યમાં આવી સમસ્યાઓ ફરી ન સર્જાય તેની ખાતરી કરવી એટલી જ જરૂરી રહેશે.





