Jamnagar Restaurant Fire: શહેરના બાયપાસ વિસ્તારમાં આવેલી જાણીતી 'ચાચા ભતીજા' રેસ્ટોરન્ટમાં આજે બપોરે આગની ગંભીર ઘટના સામે આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, રેસ્ટોરન્ટના રસોડા (કિચન) માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને કારણે રસોડામાં રહેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બપોરના સમયે લાગેલી આ આગની જાણ થતાં જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર રાકેશ ગોરાણી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટના અંગે માહિતી આપતા ફાયર ઓફિસર રાકેશ ગોરાણીએ જણાવ્યું હતું કે, બપોરે 2:00 વાગ્યાના સુમારે મેસેજ મળ્યો હતો કે બાયપાસ રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગી છે. ફાયર ટીમ દ્વારા તત્કાલ કૂલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કિચનમાં રહેલા એલપીજી સિલિન્ડરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી.
કેવી રીતે બની આ ઘટના?
રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કિચનમાં કોઈ ટેકનિકલ ખામી અથવા ગેસ લીકેજને કારણે આ આગ લાગી હોઈ શકે છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવીને તેને ફેલાતી અટકાવી હતી. રેસ્ટોરન્ટમાં રહેલા તમામ રાચરચીલું અને રસોડાના સાધનો આગની લપેટમાં આવી ગયા હતા.
કોઈ જાનહાનિ નહીં, મોટી હોનારત ટળી
સદનસીબે, આગ લાગી તે સમયે રેસ્ટોરન્ટમાં કર્મચારીઓ અને હાજર લોકો સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ દ્વારા યોગ્ય સમયે આગને કાબૂમાં લેવાતા રેસ્ટોરન્ટના અન્ય ભાગોમાં આગ ફેલાતી અટકી હતી. હાલ તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે બાયપાસ વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.






