ગુજરાતમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે શાળાઓનું વેકેશન લંબાવાયું હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક મેસેજોમાં રાજ્ય સરકારે શાળાઓ 8 જૂનના બદલે 18 જૂનથી શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ નોંધાતા અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાતા વેકેશન લંબાવવાની માંગ ઉઠી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવા મેસેજો વાયરલ થયા કે સરકારે ગરમીને ધ્યાનમાં રાખીને શાળાઓ 18 જૂનથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ વિભાગે આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિભાગના નિયત શૈક્ષણિક કેલેન્ડર મુજબ જ 8 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. વિભાગે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને સોશિયલ મીડિયા પર ફેલાતા ભ્રામક સંદેશાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે અત્યાર સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વેકેશન લંબાવવાના મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને હાલમાં શાળાઓ સમયપત્રક મુજબ જ શરૂ થશે.
આ પણ વાંચો: ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ : જાણો મહત્વની તારીખો
સંચાલક મંડળોની જુદી-જુદી રજૂઆતો
શાળા સંચાલકો અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ અલગ-અલગ રજૂઆતો કરવામાં આવી છે. કેટલાક વર્ગો દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળાઓ સમયસર શરૂ કરવાની રજૂઆત કરી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે કોરોના પછી વિદ્યાર્થીઓના અભ્યાસ અને શૈક્ષણિક વિકાસ પર પહેલેથી જ અસર પડી છે. જો શાળાઓ વધુ મોડેથી શરૂ થશે તો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન અને બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે દરેક દિવસ મહત્વનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણ કરતાં પ્રત્યક્ષ શિક્ષણ વધુ અસરકારક છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નિયમિત વર્ગખંડ શિક્ષણ જરૂરી છે. તેથી સરકારે શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને સમયસર શાળાઓ શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો: CNGના વધેલા ભાવ સામે સુરતમાં રિક્ષા ચાલકોનો વિરોધ : ડિંડોલી વિસ્તારમાં હડતાળથી મુસાફરો પરેશાન
નવા સત્ર પહેલા વાલીઓ પર વધ્યો આર્થિક બોજ
એક તરફ શાળાઓ શરૂ થવાની તૈયારી ચાલી રહી છે ત્યારે બીજી તરફ રાજકોટ સહિત કેટલાક શહેરોમાં સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં વધારો જાહેર થતાં વાલીઓની ચિંતા વધી છે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશને નવા શૈક્ષણિક સત્રથી ભાડામાં 10 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ વર્ષમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો, પરંતુ પેટ્રોલ, ડીઝલ અને CNGના સતત વધી રહેલા ભાવોને કારણે હવે વધારો અનિવાર્ય બન્યો છે.
અગાઉ જે માસિક ભાડું રૂ. 1200 હતું તે હવે અંદાજે રૂ. 1350થી 1400 સુધી પહોંચી શકે છે. જ્યારે રૂ. 1500 માસિક ભાડું ચૂકવતા વાલીઓને હવે વાર્ષિક ધોરણે લગભગ રૂ. 1800 જેટલો વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર બે વર્ષ પહેલાં CNGનો ભાવ પ્રતિ કિલો રૂ. 76 હતો, જે હવે વધીને રૂ. 88 સુધી પહોંચી ગયો છે. વધતા ઇંધણ ખર્ચ, જાળવણી ખર્ચ અને મોંઘવારીને કારણે ભાડા વધારવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: 'જય રણછોડ' ના નાદથી ગુંજ્યું ડાકોર! : અધિક માસની પૂનમે ઉમટી લાખો શ્રદ્ધાળુઓની ભીડ, સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ
સત્તાવાર જાહેરાત પર જ રાખો વિશ્વાસ
શિક્ષણ વિભાગે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે હાલની સ્થિતિમાં ગુજરાતની તમામ શાળાઓ 8 જૂનથી જ શરૂ થશે. જો ભવિષ્યમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વિભાગે વાલીઓ અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ફરતા અપ્રમાણિત મેસેજ શેર ન કરવા અને માત્ર અધિકૃત સ્ત્રોતોથી મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. હાલ માટે રાજ્યમાં શૈક્ષણિક સત્ર સમયપત્રક મુજબ જ શરૂ થવાનું છે અને વેકેશન લંબાયું હોવાના દાવાને શિક્ષણ વિભાગે અફવા ગણાવીને નકારી કાઢ્યો છે.





