US-Iran Tension: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેનો કથિત યુદ્ધવિરામ (સીઝફાયર) તે સમયે હવામાં ઊડી ગયો, જ્યારે અમેરિકી સૈન્યએ ઈરાનના આકાશમાંથી એટલો દારૂગોળો વરસાવ્યો જે તેના પર કહેર બનીને તૂટી પડ્યો. બીજી તરફ, ભડકેલા તેહરાને પણ અમેરિકી યુદ્ધજહાજથી લઈને અમેરિકાના સહયોગી દેશ કુવૈત પર ઉપરાઉપરી મિસાઇલો અને ડ્રોન દાગીને દુશ્મનોની હાલત ખરાબ કરી દીધી.
હવે મિડલ ઈસ્ટના આ તાજા તણાવને લઈને અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જણાવ્યું કે, "ઈરાનની ઘણી આક્રમક ગતિવિધિઓના જવાબમાં રક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. યુએસ ફોર્સે ઈરાનને નિશાન બનાવીને આત્મરક્ષામાં કેટલાય હુમલા કર્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક અમેરિકી ડ્રોનને તોડી પાડવાનો પણ સમાવેશ થાય છે."
કુવૈત પર થયેલા હુમલાની સાઉદી અરેબિયાએ કરી નિંદા
સાઉદી અરેબિયાએ કુવૈત પર થયેલા ઈરાનના હુમલાની સખત નિંદા કરી છે. સોમવારની સવારે કુવૈતમાં આવેલા અમેરિકી મિલિટ્રી બેઝ પર થયેલા હુમલાની જવાબદારી ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) દ્વારા લેવામાં આવ્યા બાદ, સાઉદી અરેબિયાએ ઈરાનના સતત વધી રહેલા દૂષિત હુમલાઓની આકરી ટીકા કરી છે. સાઉદી વિદેશ મંત્રાલયે આ હુમલાને બેજવાબદાર પગલું ગણાવતા કહ્યું કે, "ઈરાને માત્ર કુવૈતની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના ચાર્ટરને પણ જાણીજોઈને તોડ્યા છે."
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગર પહોંચી : વનતારાની લેશે મુલાકાત
હોર્મુઝની જળસંધિ ફરી ચર્ચામાં
કેશ્મ આઇલેન્ડ અને ગોરુક વિસ્તાર હોર્મુઝની જળસંધિની નજીક આવેલા છે. વિશ્વના મોટાભાગના તેલ પરિવહન માટે આ દરિયાઈ માર્ગ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવના કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ વધુ વધી તો તેલની કિંમતો, સમુદ્રી વેપાર અને સમગ્ર મધ્યપૂર્વની સુરક્ષા પર તેની સીધી અસર પડી શકે છે. અગાઉ પણ હોર્મુઝ વિસ્તારમાં ડ્રોન અવરોધન, જહાજોની સુરક્ષા અને મિસાઇલ ખતરાને કારણે વૈશ્વિક બજારોમાં ચિંતા વધી હતી.
રાજદ્વારી પ્રયાસો વચ્ચે ફરી વધ્યો તણાવ
તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ રાજદ્વારી ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વિવિધ મધ્યસ્થ દેશો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મેદાનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીએ આ પ્રયાસોને મુશ્કેલ બનાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં સંકેત આપ્યો છે કે વાટાઘાટો હજુ પણ ચાલુ છે, જ્યારે ઈરાન તરફથી પણ કેટલીક શરતો સાથે ચર્ચા માટે તૈયાર હોવાના સંકેતો આપવામાં આવ્યા છે. તેમ છતાં, તાજેતરના હુમલા અને પ્રતિકારાત્મક કાર્યવાહીથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલી આ નવી અથડામણ આગામી દિવસોમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે કે રાજદ્વારી પ્રયાસો સફળ થાય છે તે હવે સમગ્ર વિશ્વની નજરનો વિષય બન્યો છે.





