Myanmar President meets PM Modi : મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લેઇંગ હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આજે સોમવારે તેમણે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારત અને મ્યાનમારના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે સકારાત્મક ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સંબંધો સહિતના અગત્યના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ચર્ચાના 4 મુખ્ય મુદ્દા
આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને દેશો વચ્ચે મુખ્યત્વે ચાર મોટા મુદ્દાઓ પર વિગતવાર વાતચીત થઈ હતી:
સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન : સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા, વિકાસ કાર્યો કરવા અને ભાગીદારી વધારવા પર ચર્ચા થઈ.
વેપાર અને કનેક્ટિવિટી : બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા તેમજ પરિવહનની સુવિધાઓ વધુ સારી બનાવવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.
લોકો વચ્ચેના સંબંધો : ભારત અને મ્યાનમારના નાગરિકો વચ્ચેના આપસી સંબંધો અને સામાજિક કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા અંગે વાત થઈ.
શાંતિ અને પ્રગતિ : આખા ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ લાવવા માટે સાથે મળીને ભાગીદારી વધારવાનો મોટો નિર્ણય લેવાયો.
PM મોદીનું નિવેદન
બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારને ભારતના ખૂબ જ મહત્વપૂર્ણ મિત્ર તરીકે ગણાવ્યા. તેમણે કહ્યું કે, ભારત પોતાની 'નેબરહુડ ફર્સ્ટ' (પહેલા પડોશી), 'એક્ટ ઈસ્ટ' અને 'મહાસાગર' નીતિઓ હેઠળ મ્યાનમારને એક અત્યંત વિશ્વસનીય પડોશી દેશ માને છે. PM મોદીએ ખાતરી આપી હતી કે, ભારત હંમેશા મ્યાનમાર માટે એક ભરોસાપાત્ર ભાગીદાર રહેશે અને મુશ્કેલીના સમયમાં સૌથી પહેલા મદદ પહોંચાડનારો દેશ બની રહેશે.
કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકેની ભારત વાપસી!: NEET મુદ્દે 6 જૂને દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું એલાન
ભારત પ્રવાસનું મહત્વ
મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લેઇંગે એપ્રિલ 2026 માં પોતાના પદનો કાર્યભાર સંભાળ્યો છે. ખાસ વાત એ છે કે, રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે પોતાના સૌથી પહેલા વિદેશ પ્રવાસ માટે ભારત દેશની પસંદગી કરી છે. ભૌગોલિક દ્રષ્ટિએ મ્યાનમાર ભારત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે ભારતની 1,643 કિલોમીટર લાંબી સરહદ મ્યાનમાર સાથે સીધી જોડાયેલી છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુલાકાત
વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ, મ્યાનમારના રાષ્ટ્રપતિ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ સૌજન્ય મુલાકાત કરશે. આ સિવાય તેઓ કુતુબ ગોલ્ફ કોર્સ નજીક આવેલા રાય પિથૌરા સાંસ્કૃતિક પરિસરમાં જશે. ત્યાં તેઓ 'ધ લાઇટ એન્ડ ધ લોટસ : રિલિક્સ ઓફ ધ અવેકન્ડ વન' નામના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની મુલાકાત લેશે, જેમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.





